ઉત્તરાયણના તહેવારને હજુ ઘણી વાર છે. તેમ છતાં ઘણી જગ્યા પર પતંગ ચગાવાનું શરુ થઇ ગયું છે. ત્યારે આવામાં ચાઈનીઝ દોરીના કારણે એક વ્યક્તિનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. માતરના સંધાણા ગામ નજીક હાઈવે પર ચાઈનીઝ દોરીથી એક યુવકનુ ગળુ કપાયુ જતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે. જયારે યુવકની પત્ની અને બાળકીને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાઈ છે.
મળતી માહિતી અનુસાર, માતરના સંધાણા ગામ નજીક હાઈવે પર બાઈક પર પતિ, પત્ની અને એક નાની બાળકી જઈ રહ્યા હતા દરમિયાન અચાનક ચાઈનીઝ દોરી ગળામા ભરાઈ ગઈ અને બાઈક સવાર સાગર રઈજીભાઈ રાવળનુ ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે પત્ની અને બાળકી ઈજાગ્રસ્ત થયા છે. ચાઈનીઝ દોરી ગળામાં વાગતા લોહીના ફુવારા ઉડ્યા હતા એટલું જ નહીં હાઈવે પરની લોખંડની રેલિંગ પાંચ ફૂટ સુધી લોહીથી રંગાઈ હતી.
દંપત્તિ નડિયાદ પાસેના ડભાણ ગામનું રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નોંધનીય છે કે, સરકાર પણ દર વર્ષે ચાઈનિઝ દોરીને લઈને જાહેરનામું બહાર પાડે છે. તેમ છતા હજુ પણ ચોરી છૂપીથી અનેક જગ્યાએ આવી દોરીએ વેચાતી હોય છે. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે.
છેલ્લા ઘણાં વર્ષોથી ચાઇનીઝ દોરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ અંગે કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી. દર વર્ષે જયારે ઉત્તરાયણ આવે છે ત્યારે બજારમાં ચાઇનીઝ દોરાનું ચલણ શરુ થઇ જતું હોય છે. ઘણી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ લોકોને સંદેશાઓ પહોંચાડવામાં આવતા હોય છે કે ચાઇનીઝ દોરી એ ખુબજ ઘાતક છે તેનો ઉપયોગ ટાળવો હિતાવહ છે.