અમદાવાદમાં વધુ એકવાર ચકચાર મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. શહેરની વચ્ચોવચથી વહેતી સાબરમતી નદીમાંથી આજે ફરી 2 અજાણી લાશ મળી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે આ બંને લાશ યુવકોની છે. જેમાંથી 1ની ઉંમર આશરે 35થી 40 વર્ષની છે, જ્યારે કે બીજાની ઉંમર 25થી 30 વર્ષની હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની વિશેષ જાણકારી પ્રમાણે સાબરમતીમાં નદીમાંથી ફરી એકવખત લાશો મળી હોવાની ઘટના સામે આવી છે. આ વખતે સપ્તર્ષિ સ્મશાન પાસેથી એક અજાણ્યા યુવકની લાશ મળી હોવાનું સામે આવ્યું છે. આ એક યુવકની લાશ હતી, જેની વય આશરે 35થી 40 વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે. આ લાશ અડધી સડેલી હાલતમાં મળી છે. જે નદીના પાણીમાં તરી રહી હતી. આ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
આ ઉપરાંત એક અન્ય લાશ આજે દૂધેશ્વર બ્રિજ પાસેથી મળી હોવાની જાણકારી પણ સામે આવી છે. આ પણ એક યુવાનની જ લાશ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાનની વય આશરે 25થી 30 વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે. આ યુવકો કોણ છે અને તેમની સાથે શું બીના બની હતી તેની કોઈ પણ જાણકારી મળવા પ્રાપ્ત થઈ નથી. જો કે સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર આ બંને યુવાનોએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું સંભવ છે. આ બંને મૃતદેહોને ફાયરબ્રિગેડ દ્વારા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હવે આ મામલે વિશેષ તપાસ થાય તેવી શક્યતાઓ છે.
મહત્વનું છે કે આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી. આ અગાઉ પણ અમદાવાદમાં એલિસબ્રિજથી આંબેડકર બ્રિજ સુધીના વિસ્તારમાં સાબરમતી નદીમાંથી એક જ દિવસમાં ચાર મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં તમામને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રિવરફ્રન્ટ પોલીસે તેમની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં કુલ 4 લોકોના મૃતદેહ એક જ દિવસમાં મળી આવ્યા હતા. જેમાં 3 પુરુષોના અને એક મહિલાનો મૃતદેહ સામેલ હતો. આ મામલે રિવરફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એકવખત સાબરમતી નદીમાંથી લાશો મળવાની ઘટનાને પગલે લોકોમાં ચકચાર મચી જવા પામી છે.