ભારતમાં લગ્નોની મોસમ શરૂ થઈ છે. વિવિધ શહેરોમાંથી મળેલા આંકડા અનુસાર આગામી કેટલાક દિવસોમાં ઓછામાં ઓછાં 38 લાખ લગ્નો થશે અને તેમાં ઓછામાં ઓછા 4.74 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે.
વેપારીઓના એક રાષ્ટ્રીય સંગઠને આ આંકડો જારી કર્યો છે. તેમાં 50 હજાર એવાં લગ્નો પણ છે જેમાં દરેક લગ્નનો ખર્ચ એક કરોડ રૂપિયાથી વધારે હશે.
આ સિવાય સાત લાખ લગ્નનો ખર્ચ ત્રણ ત્રણ લાખથી ઓછો રહેશે જ્યારે અન્ય 50 હજાર લગ્નોમાં 50-50 લાખ રૂપિયા ખર્ચ થશે.
કોલકાતાનો એક બંગાળી પરિવાર આ સિઝનમાં તેમની એકની એક દીકરીના લગ્નમાં આશરે 20 લાખ રૂપિયા ખર્ચો કરી રહ્યો છે. એનાથી ઊલટું દૃશ્ય એ પણ જોવા મળે છે કે એવા પણ માતા-પિતા હોય છે જે તેમની દીકરીનાં લગ્નમાં એક લાખ રૂપિયાથી પણ ઓછો ખર્ચ કરે છે.
વેપારી સંગઠનનું કહેવું છે કે માત્ર દિલ્હીમાં જ ચાર લાખ લગ્નો થશે અને તેમાં સવા કરોડ રૂપિયા ખર્ચ થશે.
સંગઠને દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત દેશના 30 શહેરોના વેપારીઓ પાસેથી આંકડાઓ મેળવ્યા છે.
ગત વર્ષે લગ્નની સિઝનમાં દેશમાં 32 લાખ લગ્નો થયાં હતાં, જેમાં આશરે પોણા ચાર લાખ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
ઉદ્યોગપતિઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે બીબીસીને જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને થોડા મહિના પહેલાં જ બૉનસ અને ઇન્સેન્ટિવ મળ્યાં છે. આવી સ્થિતિમાં લોકો પાસે છોકરા-છોકરીનાં લગ્નમાં ખર્ચ કરવા પૂરતા પૈસા હોય છે.
તેમનું કહેવું છે, “કોવિડન કારણે કેટલાંક વર્ષો સુધી લોકો લગ્નોમાં ધૂમધામ નહોતા કરી શક્યા. આ વર્ષે લોકોએ જે રીતે નિર્ભય બનીને દિવાળી પર રેકૉર્ડ રકમ ખર્ચી હતી એવી જ રીતે શિયાળામાં લગ્નની આ મોસમમાં નવો રેકૉર્ડ બનશે. દિવાળી પર આખા દેશમાં 3.75 લાખ કરોડનો વેપાર થયો છે. લગ્નની સિઝનમાં આ રેકૉર્ડ તૂટી જશે.”
ભારતમાં ખૂબ જ ધામધૂમથી યોજાતા લગ્ન સમારોહને ‘ધ બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ’ કહેવામાં આવે છે.
ખંડેલવાલે કહ્યું કે ભારતીયો લગ્નની ખરીદી પર થતા કુલ ખર્ચના 10 ટકા વસ્ત્રોમાં ખર્ચે છે. આ સિવાય 15 ટકા ઘરેણાં પર અને પાંચ ટકા ઇલેક્ટ્રિકલ ઉપકરણો પર ખર્ચવામાં આવે છે.
લગ્નમાં થતા કુલ ખર્ચમાંથી અડધો ભાગ વિવિધ વસ્તુઓની ખરીદી પર થાય છે અને બાકીનો ખર્ચ વિવિધ સેવાઓ પર થાય છે. હવે લગ્ન સમારોહના આયોજનમાં આ તમામ બાબતોના આયોજન માટે વેડિંગ પ્લાનરનો ઉપયોગ પણ વધ્યો છે.
દિલ્હીસ્થિત ઇવેન્ટ મૅનેજર અને વેડિંગ પ્લાનર સીરત ગિલે આ સિઝનની શરૂઆતમાં લગ્ન સમારોહનું આયોજન કર્યું છે.
તેમણે બીબીસીને કહ્યું, “લગ્નના દિવસે લગભગ 50 ટકા ખર્ચ લગ્નસ્થળનાં ભાડાં અને કેટરિંગ પર થાય છે. આ સિવાય 15 ટકા ડેકોરેશન પર, 10 ટકા વીડિયોગ્રાફી પર, સાત ટકા દારૂ પર, પાંચ ટકા મનોરંજન પર ખર્ચવામાં આવે છે અને ત્રણ ટકા છોકરી અને તેના પરિવારના મેકઅપ પર ખર્ચવામાં આવે છે. આ સિવાય 10 ટકા વિવિધ સેવાઓ પર ખર્ચવામાં આવે છે. આમાં અમારા જેવા વેડિંગ પ્લાનર્સની ફી પણ સામેલ છે.”
મોટા ભાગના ભારતીય યુવક યુવતીઓ સિનેમા અને ધારાવાહિકોમાં આયોજિત થતાં લગ્ન સમારોહની જેમ જ પોતાનો લગ્ન સમારોહ આયોજિત કરવા ઇચ્છતા હોય છે.
આ જ કારણ છે કે મોટા ભાગનાં ભારતીય લગ્નો એક જેવા જ નજરે પડે છે. મોટા ભાગના મામલાઓમાં એ ઓળખવું મુશ્કેલ છે કે કયો સમારંભ કોનાં લગ્નનો છે.
વેડિંગ પ્લાનર સીરત ગીલ કહે છે, “લગ્ન કરનારા યુગલ ખાસ કરીને છોકરીઓ સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થનારા લગ્ન સમારોહને જોઈને જ પોતાના લગ્ન સમારોહની યોજના બનાવે છે.”
તેઓ કહે છે, “મોટા ભાગની છોકરીઓ જે તે સિઝનમાં ટ્રેન્ડ કરનારા સમારોહના આધારે જ પોતાનાં લગ્નની યોજના બનાવે છે. આ જ કારણે દેશમાં થનારા તમામ લગ્નો લગભગ એક જેવા જ દેખાય છે.”
“કેટલાંય ભાવિ વર-વધૂ ભવ્ય સમારોહ તરફ આકર્ષાય છે. તો કોવિડ પછી લગ્નોની સંખ્યા પણ વધી છે. જેમાં વર-વધૂ વધારે ખર્ચો કર્યા વિના લગ્ન સમારોહમાં માત્ર નજીકના સંબંધીઓને મિત્રોને આમંત્રિત કરી સાદગીથી લગ્ન કરે છે.”
આજકાલ મોટા ભાગના બંગાળી પરિવારોમાં પણ ઉત્તર ભારતીયોની જેમ મહેંદી અને સંગીત એ લગ્નોનાં અભિન્ન અંગ બની ગયાં છે.
લગ્ન સમારોહ સ્થળની સજાવટ પણ મોટા ભાગે ઉત્તર ભારતમાં થનારા સમારોહ જેવી હોય છે.
પણ એવા કિસ્સા પણ ઓછા નથી કે બંગાળી પરિવારોમાં પરંપરાગત રીત-રિવાજ પ્રમાણે લગ્નો થતાં હોય.
કોલકાતામાં રહેતા ચૈતાલી ચેટરજી તેમની દીકરીનાં લગ્ન પરંપરાગત રીત-રિવાજ પ્રમાણે 28 નવેમ્બરે કરશે.
તેમણે બીબીસીને કહ્યું, “અમે અમારા જૂના ઘરને લાઇટ્સ અને તોરણોથી સજાવી રહ્યા છીએ. કેટલાય સંબંધીઓ થોડા દિવસ અહીં રહેશે. લગ્ન અને બહૂભાત (સ્વાગત સમારોહ) સિવાય રોજ આશરે 200 લોકો માટે ખાણી-પીણીની વ્યવસ્થા કરવામાં આવી છે.”
તેઓ કહે છે, “અમારા ઘરમાં વેડિંગ પ્લાનરથી કામ નહીં ચાલે. અમે એવી જ રીતે દીકરીનાં લગ્ન કરીશું જેવાં લગ્ન અમે અમારા પરિવારમાં જોતા આવ્યા છીએ. નાચ-ગાન પણ થશે. પણ તે ઘરની છોકરીઓ સુધી જ સીમિત રહેશે.”
તેમનું એમ પણ કહેવું છે, “મારી પુત્રીએ પણ સોશિયલ મીડિયા પર ભવ્ય લગ્ન સમારંભ જોયો છે. પણ તે એકદમ પરંપરાગત રિવાજો પ્રમાણે લગ્ન કરવા માગે છે. એ જ રીતે તેનું આયોજન કરાઈ રહ્યું છે.”
વ્યાવસાયિક સંગઠનનું કહેવું છે કે લોકોના હાથમાં પૈસા આવ્યા છે. આ માટે દીકરા-દીકરીનાં લગ્નમાં તેઓ છુટ્ટા હાથે ખર્ચો કરી રહ્યા છે.
બીબીસીએ ખૂબ જ ઓછા બજેટમાં લગ્ન કરનારા એક માતા-પિતા સાથે પણ વાત કરી.
એક વ્યક્તિએ નામ નહીં છાપવાની શરતે કહ્યું, “પુત્રના લગ્નમાં આશરે 70થી 80 રૂપિયા ખર્ચાઈ જશે. આશરે 10 વર્ષ પહેલાં મેં મારા સાળાનાં લગ્ન કર્યાં હતા. તમે સોનું કહો કે અન્ય કોઈ પણ વસ્તુ બધાના ભાવ બમણા થઈ ગયા છે. પણ કરવું તો પડશે જ, કારણ કે એક જ દીકરો છે.”