ગુજરાત રાજ્ય પોલીસનાં વડા (Directorate General of Police) વિકાસ સહાય (Vikas Sahay) નિવૃત થવાના છે ત્યારે આગામી DGP કોણ બનશે તેના પર સૌની નજર ટકી છે. સિનિયોરિટી (Seniority) પ્રમાણે IPS શમશેરસિંહ લાયક ગણાઈ રહ્યાં છે, પરંતુ તેઓ આવતા વર્ષ વયનિવૃત થાય તેમ છે, હાલ તેઓ દિલ્હી ડેપ્યુટેશન પર છે.
પોલીસબેડામાં ગણગણાટ થઈ રહ્યો છે કે IPS મનોજ અગ્રવાલ સિનિયર છે તેઓ સપ્ટેમ્બરમાં રિટાયર્ડ (Reired) થવાના છે.
તેમના બાદ IPS ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ અને જ્ઞાનેન્દ્રસિંહ મલિકનાં નામો ચર્ચાઈ રહ્યાં છે. આ બંને અધિકારીઓ 2027 અને 2028માં અનુક્રમે રિટાયર્ડ થવાના છે, ત્યારે કોઈ અધિકારીનો લાંબો કાર્યકાળ ન દેખાતાં વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું.
DGP વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમી, હૈદરાબાદમાં તાલીમ આપવામાં આવી હતી. તેમણે 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં યુએન પીસ કીપિંગ મિશનના તમામ મહત્વપૂર્ણ કાર્યો સંભાળ્યા હતા. મિશન પછી, DGP સહાયે પોલીસ વિભાગમાં અનેક મહત્વપૂર્ણ પદો સંભાળ્યા છે જેમ કે 1999માં SP આનંદ, 2001માં SP અમદાવાદ રૂરલ, 2002માં અમદાવાદ શહેરના DCP ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના DCP ટ્રાફિક, 2005માં અમદાવાદ શહેરના વધારાના CP ટ્રાફિક, 2007માં સુરત શહેરના વધારાના CP રેન્જ I, 2008માં સુરત શહેરનું જોઈન્ટ CP રેન્જ I, 2009માં IG સિક્યુરિટી અને 2010માં IG CID અને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવી હતી.
તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી, “રક્ષા શક્તિ યુનિવર્સિટી” ની સ્થાપના માટે પસંદ કરવામાં આવ્યા, જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ હતો. તેમણે 2010 માં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે યુનિવર્સિટીની સફળ સ્થાપનામાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને 2016 સુધી આ પદ પર કામ કરતા રહ્યા, જ્યારે તેમને રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલના ઉચ્ચ પદ પર બઢતી આપવામાં આવી. તેમના નેતૃત્વ હેઠળ, યુનિવર્સિટીએ આંતરિક સુરક્ષા શિક્ષણ અને સંશોધનમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે.
તેઓ મેરીટોરીયસ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને વિશિષ્ટ સેવા માટે ખૂબ જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે. હાલમાં, તેઓ પોલીસ તાલીમના અધિક મહાનિર્દેશક અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે.