છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી મહિલા ઉદ્યોગસાહસિકોએ ભારતમાં મોટું નામ કમાવ્યું છે, પરંતુ આ મહિલાઓ આજે જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેઓએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે. આવી જ એક મહિલા જે દેશના લાખો યુવા સાહસિકોને પ્રેરણા આપે છે. આ મહિલાનું નામ એટલે રાધા વેમ્બુ, ઝોહો કોર્પોરેશનના સહ-સ્થાપક. તાજેતરમાં તે 360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર સૌથી ધનિક સ્વ-નિર્મિત ભારતીય મહિલા બની છે.
ડીએનએ રિપોર્ટ અનુસાર રાધા વેમ્બુની સંપત્તિ ₹34,900 કરોડ હોવાનું કહેવાય છે. આ સંદર્ભમાં તે ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં 40માં સ્થાને આવી ગઈ છે. રાધા વેમ્બુ જાનકી હાઇ-ટેક એગ્રો, એક કૃષિ એનજીઓ અને હાઇલેન્ડ વેલી નામની રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર પણ છે.
રાધા અને શ્રીધર વેમ્બુના પિતા મદ્રાસ હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર હતા. અત્યંત મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવતા, રાધા વેમ્બુ અને શ્રીધર વેમ્બુએ પોતાની આગવી ઓળખ બનાવી. રાધા વેમ્બુ IIT મદ્રાસમાંથી ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં સ્નાતક થયા પછી 1997માં ઝોહોમાં જોડાઈ. ટેક્નોલોજી અને ઈનોવેશન તરફના તેના ઝુકાવને કારણે તે ધીરે-ધીરે કંપનીમાં આગળ વધતી ગઈ.
રાધા વેમ્બુની સંપત્તિ મુખ્યત્વે ચેન્નાઈ સ્થિત બહુરાષ્ટ્રીય ટેક્નોલોજી કંપની ઝોહો કોર્પોરેશનમાં તેના સૌથી મોટા હિસ્સામાંથી આવે છે. કંપનીના સીઈઓ શ્રીધર વેમ્બુ માત્ર 5 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ રાધા વેમ્બુ પાસે 47 ટકા હિસ્સો છે. રાધા વેમ્બુના ભાઈ શ્રીધર વેમ્બુ પોતે તેમના સંઘર્ષ, સફળતા અને સાદગી માટે જાણીતા છે.
રાધા વેમ્બુના નેતૃત્વ હેઠળ, ઝોહોએ તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં જબરદસ્ત વૃદ્ધિ જોઈ. હાલમાં ઝોહો 180 દેશોમાં વિવિધ વ્યવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા ટેકનોલોજી સેવાઓ પ્રદાન કરે છે. રાધા વેમ્બુ બિઝનેસની સાથે સામાજિક જવાબદારી માટે પણ જાણીતી છે. તેમણે યુવાનોને શિક્ષણ ક્ષેત્રે સશક્ત બનાવવા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો અને શિષ્યવૃત્તિ અંગે મોટી પહેલ કરી છે