મુંબઈ સ્થિત બૌદ્ધ સ્વૈચ્છિક સંગઠન સંઘકાયા ફાઉન્ડેશને શનિવારે જાહેરાત કરી હતી કે તે PM નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ભગવાન ગૌતમ બુદ્ધની 80 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રતિમા શહેરના બૌદ્ધ ઇતિહાસ અને વારસાને શ્રદ્ધાંજલિ આપશે. વડનગરમાં વર્ષોથી ખોદકામ દરમિયાન બહુવિધ બૌદ્ધ મઠો અને બાંધકામો મળી આવ્યા છે.
ગુજરાતમાં બૌદ્ધ વારસાની થીમ પર પાંચમી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના પ્રમુખ ભંતે પ્રશીલ રત્ન ગૌતમે જણાવ્યું હતું કે હાલમાં વિચારણા હેઠળની ડિઝાઇન ગુજરાતમાં જોવા મળતી જૂની મૂર્તિઓને અનુરૂપ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મુજબની છે. “અમે અધિકારીઓને રજૂઆત કરીશું. પરંતુ અમે ગુજરાતમાં બૌદ્ધ વારસો અને જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે પર્યાપ્ત જમીન ખરીદવા અને બૌદ્ધ યુનિવર્સિટી સાથે પ્રતિમા બાંધવા પણ તૈયાર છીએ,” એમ તેમણે જણાવ્યું હતું.
કોન્ફરન્સનું ઉદ્ઘાટન સાંસદ કિરીટ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રમુખે એમ પણ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ગૌતમ બુદ્ધ સંબંધિત અવશેષોનું સંરક્ષણ અને પ્રદર્શન કરવા માટે તેઓએ રાજ્ય અને કેન્દ્રીય પુરાતત્વ વિભાગને રજૂઆત કરી છે. “રાજ્ય પાસે બૌદ્ધ ધર્મ સંબંધિત આટલો સમૃદ્ધ વારસો છે. ખાસ પ્રસંગોએ, આ અવશેષો લોકોને પ્રદર્શિત કરવા જોઈએ,” એમ તેમણે ઉમેર્યું હતું.