ગાંધીનગરના આદીવાડા ચાર રસ્તા પાસે આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર યુવાન રોડ પર પટકાયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતા હાલમાં સેકટર – 21 પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં વધુ એક યુવાનને કાળ ભરખી ગયો છે. ગાંધીનગરના જલુંદ ગામમાં રહેતો 24 વર્ષીય સુનીલ વાઘેલા પેથાપુર ખાતે પ્રાઈવેટ નોકરી કરતો હતો. જેનાં પરિવારમાં પત્ની અને એક સંતાન છે. આજે બપોરના સમયે સુનીલ તેની પત્નીને મળવા માટે સાસરી આદીવાડા જવા માટે એક્ટિવા લઈને નિકળ્યો હતો.
આદીવાડા ચાર રસ્તા નજીક આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ટક્કર મારી હતી. જેનાં કારણે સુનીલ એક્ટિવા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં સુનીલનું પેટની નીચેના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં અકસ્માતે એકઠા થઈ ગયા હતા.
બીજી તરફ અકસ્માતની જાણ થતાં સેકટર – 21 પોલીસ મથકના પીએસઆઇ આશાબેન ચૌધરી સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડી હતી. આ અંગે પોલીસે કહ્યું હતું કે, હાલમાં મૃતકના સગા વહાલા સિવિલ આવી ગયા છે. મૃતક પોતાની સાસરી આદીવાડા જઈ રહ્યો હતો. એ વખતે આઈસર ટ્રકના ચાલકે એક્ટિવા સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં યુવાનનું સ્થળ પર જ મોત નીપજ્યું છે.