ગુજરાતમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન ગુરુવારની સવાર ગોઝારી સાબિત થઈ છે. વિગતો મુજબ રાજ્યમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. આ તરફ ગઈકાલે એક જ દિવસમાં 5 અકસ્માતના બનાવ સામે આવ્યા હતા જેમાં 3 લોકાના મોત થયા હતા. જેથી છેલ્લા 24 કલાકમાં માર્ગ અકસ્માતની ઘટનામાં કુલ 5 વ્યક્તિઓના મોત થયા છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રસિદ્ધ કાત્યોકના મેળામાં બાઈક લઈને નીકળેલ યુવાનને અકસ્માત નડ્યો હતો. વિગતો મુજબ સિદ્ધપુરના બિંદુસરોવર પુલ પર અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લીધો હતો. જ્યાં ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ મૃતક યુવકનું નામ મયુર પરમાર હોવાનું સામે આવ્યું છે.
આ તરફ રાજકોટ-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અનુપસિંહ રાઠોડ નામના વ્યક્તિને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધો હતો. જેમાં ગંભી ઇજાઓને કારણે અનુપસિંહ રાઠોડ નામના વ્યક્તિનુ મોત થયું છે. ઘટનાને લઈ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતક ગૌશાળામાં કામકાજ કરતા હોવાનું સામે આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં કાર ચાલકે બે વાહનોને ટક્કર મારતા 9 થી વધુ ઘાયલ થયા છે. આ તરફ અકસ્માતમાં 9 થી વધુ ઘાયલ થતા સારવારમાં ખસેડાયા છે. કારચાલક કારમાં ફસાઇ જતા લોકોએ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ કાર ચાલક કાર મુકી ત્યાથી ફરાર થઈ ગયો હતો. આ તરફ ગાડીમાં ફસાયેલા વ્યક્તિને બહાર નીકળવા લોકોએ કવાયત હાથ ધરી હતી. ઘટનાને લઈ ઘાયલોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
ગુજરાતમાં ગઈકાલે બુધવારે પણ અકસ્માતની 5 ઘટના સામે આવી હતી. જેમાં આણંદનાં વાસદ બ્રિજ પર પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો. પોલીસ વાન ડિવાઈડર પર ચડી જતા હોમગાર્ડ જવાનનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં 2 પોલીસકર્મી ઈજાગ્રત્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્ત પોલીસકર્મીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. ડીસા-રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. માલગઢ પાસે રસ્તા વચ્ચે આખલો આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
દાહોદનાં જાલત નજીક ખાનગી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાનગી લકઝરી મધ્યપ્રદેશથી મોરબી જઈ રહી હતી. બસ ચાલક દારૂના નશામાં હોવાનો મુસાફરોનો આક્ષેપ છે. ત્યારે અકસ્માત બાદ બસ મુકી ચાલક અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતને લઈ કતવારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી હતી. કામનાં લીધે રસ્તા વચ્ચે કાળા રંગનાં બેરલ રખાયા હતા. રાત્રી સમયે બેલર નજરે ન પડતા બે કારને અકસ્માત નડ્યો હતો. સેફ્ટી માટે રખાયેલા બેરલ પર રેડિયમ કે સફેદ કલરનાં પટ્ટાનો અભાવ હતો. અકસ્માતમાં ગંભીર રીતે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે કાર ચાલકે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ કાર ચાલકે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો.
સુરતમાં કોલેજ જતી વિદ્યાર્થીનીનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પીપોદરા નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. પાછળથી અન્ય વાહનની ટક્કર વાહતા મોપેડ ટ્રક સાથે ભટકાયું હતું. ત્યારે ટ્રક સાથે ભટકાતા યુવતી મોપેડ પરથી રોડ પર પટકાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું વિદ્યાર્થીનીનાં પિતા મોપેડ હંકારી કોલેજ મુકવા જઈ રહ્યા હતા. મૃતક ટીશા પટેલ પીપોદરા ગામની રહેવાસી હતી. તેમજ કુડસદ ખાતે કોલેજમાં અભ્યાસ અર્થે આવી રહી હતી.