દેશના અલગ-અલગ રાજ્યના પોલીસ વિભાગ તેમજ પેરામીલીટરીની બેન્ડ ટીમોને મળી આશરે ૧૨૦૦થી વધુ સ્પર્ધકો થશે સહભાગી
ગાંધીનગર
ગુજરાત રાજ્ય દ્વારા આગામી તા. ૪ થી ૮ ડિસેમ્બર દરમિયાન ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ-ગાંધીનગર ખાતે “૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશન-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તા. ૪ ડિસેમ્બરના રોજ આ કોમ્પિટિશનનો વિધિવત શુભારંભ કરાવશે.૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પિટિશનમાં દેશના અલગ-અલગ ૧૫ રાજ્યના પોલીસ વિભાગની બેન્ડ ટીમો ઉપરાંત પેરા-મીલીટરીની પણ ૦૫ જેટલી બેન્ડ ટીમો સહભાગી થશે.આ સ્પર્ધામાં મુખ્યત્વે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ અને બ્યુગલ બેન્ડ, એમ કુલ ત્રણ કેટેગરીમાં વિવિધ ટીમો સહભાગી થશે. જે પૈકી બ્રાસ બેન્ડ કેટેગરીમાં પુરૂષોની ૧૭ ટીમ અને મહિલાની ૦૧ ટીમ, પાઇપ બેન્ડ કેટેગરીમાં પુરુષોની ૧૩ ટીમ અને મહિલાઓની ૦૬ ટીમ તથા બ્યુગલ કેટેગરીમાં પુરુષોની ૧૯ ટીમો આ સ્પર્ધામાં ભાગ લેશે. ચાર દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં કુલ ૧૨૦૦થી વધુ સ્પર્ધકો સહભાગી થશે. આ સ્પર્ધા દરમિયાન ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ વિજેતા ટીમોના સ્પર્ધકોને પણ ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવશે. આ સિવાયના સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, “ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પીટીશન”ની શરૂઆત વર્ષ ૧૯૯૯માં ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારબાદ દર વર્ષે અલગ-અલગ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ સેન્ટ્રલ અર્મડ પોલીસ ફોર્સેસ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે.