કુ.હિમાંશીએ તેની અશક્તતાને અવરોધ તરીકે સ્વીકારી જ નથી, જે તેની સૌથી મોટી જીત છે. તેની જીવન કથની એક ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે :- કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દિવ્યાંગજનો અને ખેલાડીઓને મદદ પૂરી પાડવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે :- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
એક એથ્લીટના જીવનમાં તેની સિદ્ધિઓ પાછળ તેનો ખૂબ જ મોટો સંઘર્ષ અને કઠોર મહેનત જવાબદાર :ક્રિકેટર પાર્થિવ પટેલ
અમદાવાદ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ચીન ખાતે યોજાયેલ એશિયન પેરા ગેમ્સમાં ચેસની રમતમાં બ્રોન્ઝ મેળવનાર ચેસ ખેલાડી કુ.હિમાંશી રાઠીના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ક્રિકેટર પાર્થિવ પટેલ પણ આ સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ સત્કાર સમારંભ પ્રસંગે જણાવ્યું કે, એશિયન પેરા ગેમ્સમાં સિદ્ધિ બદલ કુ.હિમાંશી આ સત્કારની હકદાર છે. ચીનમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવીને કુ.હિમાંશીએ તિરંગાનું અને દેશનું નામ રોશન કર્યું છે. તેણે પોતાની અશક્તતાને અવરોધ તરીકે સ્વીકારી જ નથી, જે તેની સૌથી મોટી જીત છે. તેની જીવન કથની એક ઉત્તમ પ્રેરણા સ્ત્રોત છે. કુ.હિમાંશીની સફળતામાં તેના પરિવારજનો અને મિત્રોનો મોટો ફાળો રહેલો છે.આજે દિવ્યાંગજનો ક્રિકેટ સહિત અનેકવિધ રમતોમાં આગળ વધ્યા છે. અનેકવિધ હસ્તકલા કામગીરીમાં પણ ઘણાં દિવ્યાંગજનો પાવરધા હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સ્પોર્ટ્સ ક્ષેત્રે દરેક ખેલાડીને મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. જેના ભાગરૂપે દેશના દિવ્યાંગ ખેલાડીઓ સહિત કેટલીય રમતોના ખેલાડીઓ આજે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરી રહ્યાં છે. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની યોજનાઓ લોકોના દ્વાર સુધી પહોંચી રહી છે.
આ સત્કાર સમારંભમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કુ.હિમાંશીની સફળતામાં તેના પરિવાર અને તેના મિત્રોનો બહુ મોટો ફાળો છે. કુ.હિમાંશીના પરિવાર અને તેના મિત્રોએ તેના કપરાં સમયમાં તેનું મનોબળ મજબૂત રાખીને, તેને પ્રોત્સાહિત કરીને તેના સંઘર્ષને સરળ બનાવ્યો છે. હિમાંશીનું જીવન અનેક દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાસ્રોત છે. જીવનમાં મુશ્કેલીઓ સામે કેવી રીતે મનને અડગ રાખવું એનું પ્રત્યક્ષ ઉદાહરણ કુ. હિમાંશીએ પૂરું પડ્યું છે. હિમાંશીએ એક કમીને હજાર ખૂબીઓથી ભરી દીધી છે એમ તેમણે જણાવ્યું હતું.આવા સત્કાર કાર્યક્રમ કેટલાય દિવ્યાંગ દીકરી-દીકરીઓનું ઉત્સાહવર્ધન કરે છે અને તેમના સપનાઓને નવી પાંખો આપે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આજે આવા બાળકોને મદદ પૂરી પાડવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. દેશના ખેલાડીઓને સતત પ્રોત્સાહિત કરવા અને તેમની જરૂરિયાતો પૂર્ણ કરીને દેશને સ્પોર્ટ્સમાં અગ્રેસર બનાવવા આજે ખેલાડીઓ માટે ઘણી યોજનાઓ અમલમાં છે. એટલે જ આજે એશિયન ગેમ્સ અને ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આપણા ખેલાડીઓ કાઠું કાઢી રહ્યાં છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે દેશના જાણીતા ક્રિકેટર પાર્થિવ પટેલે જણાવ્યું કે, કુ.હિમાંશીની સિદ્ધિને બિરદાવવા યોજાયેલો આ સત્કાર સમારંભ આવા અનેક ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. એક એથ્લીટના જીવનમાં તેની સિદ્ધિઓ પાછળ તેનો ખૂબ જ મોટો સંઘર્ષ અને કઠોર મહેનત જવાબદાર હોય છે.
કુ.હિમાંશીએ આ પ્રસંગે પોતાને આ મુકામ સુધી પહોંચવા માટે મદદ કરનાર સૌ કોઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, એક ખેલાડી માટે મહેનત અને ધીરજ મહત્વના ગુણો છે. મારામાં આ બંને ગુણો કેળવવામાં મારા પરિવાર, મિત્રો અને મારા શિક્ષકોનો મોટો ફાળો છે. દિવ્યાંગજનોના જીવનમાં અને તેમની સફળતામાં તેમના શિક્ષકો બહુ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. મને પણ મારા શિક્ષકોએ જીવનની સફરમાં દરેક પડાવ પર જરૂરી એવા અનેક પાઠ ભણાવ્યા છે. મારા કોચ અને મારા દિવ્યાંગ મિત્રોએ પણ મને હરહંમેશ ખૂબ જ સપોર્ટ પૂરો પાડ્યો છે. આજના સમયમાં પ્રજ્ઞાચક્ષુ કે દિવ્યાંગજનો સહાનુભૂતિ કરતા સાથ અને સહકાર વધુ ઝંખે છે. સૌના સાથ સાથે સૌનો વિકાસ સૂત્ર આજે દિવ્યાંગજનો અને તેમને સહકાર પૂરો પાડતા તમામ લોકો અને સંસ્થાઓ સુપેરે સાર્થક કરી રહ્યા છે.આ પ્રસંગે કુ.હિમાંશી રાઠીના પરિવારજનો અને મિત્રોએ તેની એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ સુધીની સફર, હિમાંશીનો સંઘર્ષ, તેની સિદ્ધિઓ સહિત અનેકવિધ બાબતો વર્ણવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ચેસ ખેલાડી કુ. હિમાંશી ભાવેશભાઈ રાઠી સહિત વિવિધ રમતોના ૬ ખેલાડીઓએ ૯ મેડલ મેળવીને પોતાની અભૂપતપૂર્વ સિદ્ધિ દ્વારા રાજયનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યુ છે.આ સત્કાર સમારંભમાં કુ.હિમાંશી રાઠીના પરિવારજનો, સમાજના અગ્રણીઓ, મિત્રો, કોચ સહિત વિવિધ રમતોના ખેલાડીઓ,દિવ્યાંગજનો, દિવ્યાંગ ખેલાડીઓ અને દિવ્યાંગ જનોની સંસ્થાઓના પ્રતિનિધિઓ, ચેસ અને એશિયન પેરા ગેમ્સ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.