રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત તરફ જઈ રહી છે. ભાજપે સીએમ પદ માટે કોઈ પણ નેતાનો ચહેરો આગળ રાખ્યા વગર રાજસ્થાનની ચૂંટણી લડી હતી. વસુંધરા રાજે 2003 થી રાજસ્થાનમાં ભાજપનો ચહેરો છે.
પરંતુ આ વખતે પાર્ટીએ તેમનો ચહેરો આગળ રાખવાનું ટાળ્યું હતું. રાજસ્થાનમાં ભાજપ સત્તામાં આવશે તો વસુંધરા રાજે સિંધિયા સીએમ બનશે કે પછી પાર્ટી નવા ચહેરા પર દાવ લગાવશે? આ ચર્ચા એટલા માટે પણ થઇ રહી છે કે ભાજપે સીએમ ચહેરો જાહેર કરવાનું ટાળ્યું એટલું જ નહીં, અનેક સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા. રાજસ્થાનમાં ભાજપના સૌથી મોટા, સૌથી લોકપ્રિય ચહેરા રહી ચૂકેલા વસુંધરાને પણ પડતી મૂકવામાં આવ્યાં છે.
1- બાલકનાથ
ભાજપના ઉમેદવાર બાલકનાથ પણ તિજારા વિધાનસભા બેઠક પરથી સાંસદ છે. અશોક ગેહલોત બાદ બાલકનાથ સીએમ પદ માટે બીજા નંબરનો સૌથી લોકપ્રિય ચહેરો બનીને સામે આવ્યો છે. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલમાં બાલકનાથને 10 ટકા લોકોએ સીએમ પદ માટે પોતાની પહેલી પસંદ જાહેર કરી હતી. આ એક્ઝિટ પોલ મુજબ બાલકનાથ સીએમ પદ માટે ભાજપ તરફથી સૌથી લોકપ્રિય ચહેરો છે. રાજસ્થાનના અલવરથી સાંસદ બાલકનાથ એ જ નાથ સંપ્રદાયના છે, જ્યાંથી યુપીના સીએમ યોગી આદિત્યનાથ છે. બાલકનાથ રોહતકમાં બાબા મસ્તનાથ મઠના મહંત છે. નાથ સંપ્રદાયની પરંપરામાં ગોરખપુરને રાષ્ટ્રીય અધ્યક્ષનો દરજ્જો અને રોહતકની ગાદી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો દરજ્જો ધરાવે છે. આ રીતે નાથ સંપ્રદાયની વર્તમાન વ્યવસ્થામાં યોગી આદિત્યનાથ પછી બાલકનાથ બીજા નંબરે છે અને તેમને રાજસ્થાનના યોગી પણ કહેવામાં આવે છે.
2- દીયા કુમારી
જયપુર રાજવી પરિવારની દીયા કુમારીને વસુંધરા રાજે સિંધિયાના વિકલ્પ તરીકે પણ જોવામાં આવી રહી છે. દીયા કુમારી સાંસદ છે અને ભાજપે પણ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં તેમને ઉમેદવાર બનાવ્યા હતા. દીયા કુમારી જયપુર જિલ્લાની વિદ્યાધર નગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે.
3. સીપી જોશી
રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સીપી જોશી પણ સીએમની રેસમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. સી.પી.જોશીએ પ્રદેશ પ્રમુખ તરીકે પક્ષના ચૂંટણી પ્રચારની કમાન ફ્રન્ટલાઈનથી સંભાળી હતી. સીપી જોશી સાંસદ પણ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે તેમની નિમણૂક થતાં જ હાઈકમાન્ડ સાથે નિકટતાની ચર્ચા થવા લાગી હતી.
રાજસ્થાનમાં ભાજપ દ્વારા વસુંધરા ઉપરાંત મુખ્યમંત્રી પદ માટે આ ત્રણ નેતાઓના નામની ચર્ચા ચાલી રહી છે, ગજેન્દ્રસિંહ શેખાવત અને ભૂપેન્દ્ર ચૌધરી સહિત કેટલાક અન્ય નેતાઓને પણ સીએમની રેસમાં માનવામાં આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપની નેતાગીરી રાજસ્થાનની સત્તા સંભાળવા માટે અર્જુન રામ મેઘવાલ, અશ્વિની વૈષ્ણવ અથવા સુનીલ બંસલ જેવા કદાવર નેતાઓમાંથી કોઈને પણ જયપુર મોકલી શકે છે જે રીતે પીએમ મોદીએ ચૂંટણી રેલીમાં અર્જુન રામ મેઘવાલના નામનો ઉલ્લેખ કર્યો હતો, તે રીતે સીએમ પદ પર તેમનો દાવો પણ મજબૂત માનવામાં આવે છે.