બામણબોર-કચ્છ નેશનલ હાઈવે પરના વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક બાહુબલિઓએ છેલ્લા દોઢ વર્ષથી પોતાનું ટોલનાકું ઊભું કર્યું છે. વાહનચાલકો પાસેથી ટોલનાકા કરતા અડધા ભાવે ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ગેરકાયદે ટોલનાકા કાંડમાં વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્નું છે કે આરોપી અમરશી પટેલ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર છે. જ્યારે ભાજપ અગ્રણીની સંડોવણી પણ બહાર આવી છે. આ અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે, પ્રાંત અધિકારી અને DYSPની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. આની તપાસ કરી અને જે પણ કસૂરવાર હશે તેના સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.
દક્ષિણ ગુજરાતમાં એક સરકારી કચેરી ગેરકાયદે ધમધમતી હોવાના અહેવાલ તાજા જ છે, ત્યારે રાજકોટથી માત્ર 50 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર ગેરકાયદે ટોલનાકું ઊભું કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. બામણબોરથી કચ્છ તરફ જવાના રસ્તા પર વઘાસિયા ગામ પાસે નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા બનાવ્યું છે. જ્યાં રોજ ફોર વ્હીલ વાહનચાલક પાસેથી રૂ. 50, મેટાડોર અને આઈસરના ચાલક પાસેથી રૂ. 100 અને ટ્રકના ચાલક પાસેથી રૂ. 200નું દાદાગીરીથી ઉઘરાણું કરી રહ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ગેરકાયદે ટોલનાકું છેલ્લા દોઢ વર્ષથી ધમધમી રહ્યું છે. પોલીસ, કલેક્ટર, અધિક કલેક્ટર, એનએચએઆઈ કે અન્ય કોઇ સરકારી વિભાગના ટોચના અધિકારીઓની આંખમાં ધૂળ નાખી ખુલ્લેઆમ રોજના હજારો, મહિનાના લાખો અને વર્ષે દહાડે કરોડો રૂપિયા ઉઘરાવી ઘરભેગા કરી રહ્યા છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વધાસિયા ટોલનાકાના અડધો કિલોમીટર પહેલા ભેજાબાઝ શખસોએ એક ડાયવર્ઝન ઉભુ કર્યું છે. જ્યાંથી વાહનચાલકો ટોલનાકાથી પસાર થવાની જગ્યાએ એ રોડ પર વળી જાય છે. જે બાદ વ્હાઈટ હાઉસ નામની બંધ ફેક્ટરી વાળા રસ્તે એક કિલોમીટર જેટલુ અંતર પસાર કરી ટોલનાકાથી અડધો કિલોમીટર બાદ અન્ય રસ્તે બહાર નીકળે છે. જ્યાં વાહનચાલકો પાસે ટોલનાકા કરતાં અડધા પૈસા ઉઘરાવવામાં આવે છે. આમ અમુક વાહનચાલકો આ નકલી ટોલનાકાનો ઉપયોગ કરી હાઈવેનો તો ઉપયોગ કરે છે, પરંતુ પૈસા સરકારને આપવાની જગ્યાએ અન્ય જમીન માલિકોને ઓછા રૂપિયા આપી ગુનો કરી રહ્યાં છે. જે મામલે વ્હાઇટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, અમરીશ પટેલ ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલનો પુત્ર છે.
વઘાસિયા ટોલપ્લાઝા મામલે ગાંધીધામ ડિવિઝનના પ્રોજેક્ટ ડાયરેક્ટર જિતેન્દ્ર ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ પ્લાઝા એક મહિના પહેલાં જ રાજકોટ ડિવિઝનમાંથી ગાંધીધામમાં ભેળવાયું છે. તેમજ કોઇએ ટોલ પ્લાઝાને બાયપાસ કરીને રોડ બનાવી ઉઘરાણાં કર્યાં છે તેવી કોઇ ફરિયાદ તેમના સુધી પહોંચી નથી. જોકે આ ઘટના ખૂબ જ ગંભીર ગણાય અને તેને કારણે સરકારને ટોલની મોટી આવક ગુમાવવી પડે. જેને લઈને સોમવારે સવારે જ તમામ અધિકારીઓ અને ટોલ પ્લાઝાના કર્મચારીઓને બોલાવીને અહેવાલ માગવામાં આવશે.
આ ટોલ પ્લાઝા પર ટોલટેક્સ ન આપવો પડે અને પોતે ટોલના રૂપિયા ઉઘરાવીને ઘર ભરી શકાય તે માટે વ્હાઈટ હાઉસ નામની બંધ ફેક્ટરીમાંથી રસ્તો બનાવી અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણાં કરી રહ્યા છે. વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર રમેશ અન્નામરેડીએ બાહુબલિઓ દ્વારા ઊભા કરાયેલા ટોલનાકા સંદર્ભે જે બંધ ફેક્ટરીમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે. તે બાબતે ફેક્ટરીના સંચાલકોને નોટિસ પણ પાઠવી હતી અને આ ગેરકાયદે કૃત્ય તાકીદે બંધ કરવા પણ જણાવ્યું હતું. આમ છતાં પોતાને આર્મીમેન ગણાવતો રવિ નામનો શખસ અને તેની ટોળકી દાદાગીરીથી રૂપિયા ઉઘરાવી રહ્યા છે.
કલેક્ટર દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જેમાં ડીવાયએસપી પણ તપાસમાં જોડાય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. મામલતદારની ટીમે બામણબોર ટોલનાકાની વિઝીટ કરી હતી.
જિલ્લા કલેક્ટર અને એસપીએ તપાસના આદેશ આપ્યા બાદ હવે એસડીએમની એક ટીમ, ડીવાયએસપી અને સ્થાનિક પોલીસની ટીમો ગેરકાયદેસર ટોલનાકા મામલે તપાસ ચલાવશે. સ્થળ મુલાકાત કર્યા બાદ તપાસ ટીમ કલેક્ટર અને એસપીને રીપોર્ટ આપશે તો રીપોર્ટ આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અને એસપી કડક પગલા ભરશે તેવી ખાતરી આપી હતી.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે કે, પ્રાંત અધિકારી અને DYSPની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. આની તપાસ કરી અને જે પણ કસૂરવાર હશે તેના સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.
કલેક્ટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, વઘાસીયા ટોલનાકા પાસે ટોલ ના ભરીને વાહનો બાયપાસ કરવામાં આવતા હોવાનું ધ્યાને આવતા ડીવાયએસપી-એસડીએમ કક્ષાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેથી ફરિયાદ નોંધવામાં આવી છે. તો નેશનલ હાઈવે ઓથોરીટી અને ટોલટેક્ષ બુથ એજન્સી દ્વારા કેટલીક કાર્યવાહી કરવાની થતી હોય છે. જે અંગે સૂચનાઓ આપવામાં આવી છે. ટોલટેક્ષ બુથ એજન્સીએ નેશનલ હાઈવેની બંને બાજુ ઓથોરીટીની માલિકીનો રસ્તો આવેલો હોય જ્યાં અનઅધિકૃત પ્રવેશ થઇ શકે તેવા રસ્તાઓ બંધ કરવાના હોય છે. શો કોઝ નોટીસ અને દંડનીય કાર્યવાહી કરવાની સત્તાઓ આપી છે. જે અંગે કાર્યવાહી નેશનલ હાઈવે ઓથોરીટી અને ટોલ ટેક્ષ એજન્સી સંયુક્ત રીતે કરવાની થતી હોય છે.
તો અગાઉ નેશનલ હાઈવે ઓથોરીટી તરફથી આ મુદ્દે કરેલી રજૂઆત મામલે શું કાર્યવાહી કરાઈ જેના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, રજૂઆત મળે તાત્કાલિક ટીમ મોકલી તપાસ કરવામાં આવી હતી. જોકે નેશનલ હાઈવે ઓથોરીટી કે ટોલ ટેક્ષ એજન્સીના અધિકારીઓ કોઈ મર્યાદા હોય કે અન્ય કાંઈ પણ તેઓ સાથે જવા તૈયાર થયા ન હતા, છતાં વહીવટી તંત્રએ જે તે સમયે પગલા લીધા હતા. તો હાઈવે ઓથોરીટીએ લેખિત ફરિયાદ કરવા પણ ઇનકાર કર્યો હતો.
જિલ્લા પોલીસ રાહુલ ત્રિપાઠી જણાવ્યું હતું કે, ટોલ સંચાલક FIR માટે આવ્યા નથી. આજે પણ ફરિયાદ કરી નથી જેથી પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. તો અહીં છેલ્લા દોઢેક વર્ષથી ટોલ ઉઘરાવાય છે તેવા પ્રશ્નના જવાબમાં એસપીએ જણાવ્યું હતું કે, ટોલ ઉઘરાવાય છે તેવી માહિતી ના હતી. વૈકલ્પિક રસ્તાની જાણ હતી. આરોપી અમરશીભાઈ પટેલ સીદસર ઉમિયા ધામ પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાના પુત્ર હોવા અંગે એસપીને કોઈ માહિતી ના હોય તેમ જણાવ્યું હતું.
વ્હાઈટ હાઉસ કંપનીના માલિક સીદસર પ્રમુખના પુત્ર વઘાસીયા બોગસ ટોલનાકા મામલે ખુલાસો થવા પામ્યો છે. જેમાં વ્હાઈટ હાઉસ ફેકટરીના માલિક અમરશીભાઈ સીદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામભાઈ પટેલના પુત્ર હોવાનો ખુલાસો થયો છે. જેના વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. નકલી ટોલનાકા કાંડમાં ભાજપ અગ્રણીની સંડોવણી બહાર આવી છે. પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલાનું નામ લખવામાં આવ્યું છે. જે આરોપી ધર્મેન્દ્રસિંહ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિદેવ અને ગામના સરપંચ હોવાની માહિતી મળી છે.