નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા વિસ્તારનાં ગામોમાં ગેરકાયદે ખેડાણને લઈને વન વિભાગના બિટગાર્ડને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે બોલાવીને ધમકાવીને મારા માર્યો હતો, જેથી બિટગાર્ડ દ્વારા દેડિયાપાડા પોલીસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ અંગે ચૈતર વસાવાએ આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી. જેના પર આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતા.
કોર્ટે જણાવ્યું હતું કે, ધારાસભ્ય પાસે જંગલના અધિકારીઓને બોલાવવાની સત્તા નહીં, કોર્ટનું કામ ધારસભ્ય કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. જેને લઈને પાસા પણ થઈ શકે છે.
સરકારે પણ ચૈતર વસાવાનો વિરોધ કર્યો વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી નથી. સરકારી વકીલે પણ કોર્ટમાં ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો. કોર્ટે ચૈતર વસાવાને કહ્યું હતું કે, કયા અધિકારો હેઠળ તમે વનકર્મને બોલાવ્યા હતા.
3 નવેમ્બરે ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર થઈ ગયાં છે. તેમના પત્ની શકુંતલા સહિતના 3 આરોપી જેલમાં છે. છેલ્લા ત્રણ સપ્તાહ ઉપરાંતથી ચાલી રહેલાં વિવાદમાં હવે ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવાની એન્ટ્રી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તો જીતી જાય તેમ હોવાથી ભાજપ સરકારે ખોટી રીતે કેસ કર્યો છે. વનકર્મીઓને માર મારવાની આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે. વન કર્મચારીઓએ ખોટી રીતે ગરીબ ખેડૂતનો પાક કાપી નાંખ્યો હતો. તેની સમજાવટ દરમિયાન બનેલી ઘટનાને અલગ સ્વરૂપ આપી પોલીસે કેસ કરી દીધો છે.
ચૈતર વસાવા સામે નર્મદા પોલીસે જમીન બાબતે ફોરેસ્ટ વિભાગના ઓફિસરને માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. આ કામમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય બે આરોપીઓ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુંતલાની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. જ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા. ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી છે અને ધારાસભ્ય સામે વોરન્ટ કાઢ્યું છે.
જ્યારે પકડાયેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવ્યા હતા. બાદમાં સ્થાનિક કોર્ટમાં ચૈતર વસાવાની પત્નીએ જામીન અરજી દાખલ કરી હતી. જેને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી. જેથી ચૈતર વસાવાની પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેની દલીલો બે દિવસ પહેલા જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી. જ્યાં ગામડામાં રહેતા લોકોએ કપાસ વાવ્યું હતું. જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવી સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો. આથી ગામડાના લોકોએ વળતરની માગ સાથે ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. જેથી ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મિટિંગ રાખી હતી. જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ બાદમાં જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અરજદારનો ભાગ ફક્ત મિટિંગમાં ઉપસ્થિત રહેવા પૂરતો સિમિત હતો. ચૈતર વસાવાએ જંગલના અધિકારીઓને અયોગ્ય રીતે દબાણ દૂર કરાયું હોવાનું જણાવ્યું હતું.
સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ સરકારી જંગલની જમીન છે. જેની ઉપર દબાણ કરાયું હતું અને દબાણકર્તાઓએ સ્થાનિક ધારાસભ્યનો સંપર્ક સાધ્યો હતો. ધારાસભ્યે વન વિભાગના અધિકારીઓને ધમકી આપીને 60 હજારનું વળતર માંગ્યું હતું. ધારાસભ્યે હાથપગ તોડવાની ધમકી આપીને, ગાળો આપી હતી. તેમજ ધારાસભ્યએ પોતાના બની રહેલા ઘરમાંથી એક વ્યક્તિને રિવોલ્વર લાવવા કહ્યું હતું. બાદમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયું તે હજી મળતી નથી, તપાસ ચાલુ છે. આ સંપૂર્ણ ઘટનામાં વર્તમાન અરજદારની સક્રિય ભાગીદારી છે. જે સંદર્ભે અરજદારના વકીલે પોતાના અસીલ પાસેથી વધુ માહિતી મેળવવા સમય માંગતા આ મુદ્દે વધુ સુનાવણી આજે હાથ ધરાશે.