રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે, ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા. ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગોગામેડી સાથેની ઘટના વખતે હાજર રહેલા અજીતસિંહને ગંભીર ઈજા થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સુખદેવ સિંહ ગોગામેડીનું ઘર જયપુરમાં શ્યામનગર જનપથ પર છે. મંગળવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બે હુમલાખોર તેમના ઘરે પહોંચ્યા હતા. ગોગામેડી દેખાયા કે તરત જ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. જણાવવામાં આવી રહ્યું છે કે ગોગામેડીને ચાર ગોળી વાગી હતી.
ફાયરિંગ બાદ હુમલાખોરો ભાગી રહ્યા હતા અને શેરીમાંથી નીકળીને એક કારને રોકીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ડ્રાઈવરને પિસ્તોલ બતાવી ત્યારે તે કાર દોડાવીને જતો રહ્યો હતો. આ દરમિયાન તેઓએ પાછળથી આવી … રહેલા સ્કૂટી સવાર અમિતને નિશાન બનાવ્યો હતો. સ્કૂટી સવારને ગોળી મારી ઇજા પહોંચાડી અને સ્કૂટી લઇને ફરાર થઇ ગયા હતા. માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા હતા. કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના અધ્યક્ષ હતા. વર્ષ 2017માં જયગઢમાં ફિલ્મ પદ્માવતના શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાના લોકોએ તોડફોડ કરી હતી. ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલીને પણ થપ્પડ મારવામાં આવી હતી. ગોગામેડી ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ પછી રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
સુખદેવ સિંહ ગોગામેડી રાજપૂત સમાજમાં યુવાનોમાં ખૂબ પ્રખ્યાત ચહેરો હતા. સુખદેવ સિંહે 2018ની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી પાસેથી ભદ્રમાંથી ટિકિટ માંગી હતી, જે સુખદેવ સિંહને મળી ન હતી. છેલ્લા ઘણા સમયથી સુખદેવ સિંહની લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ ટકરાવના અહેવાલો મળી રહ્યા હતા.