ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની 30 મી બેઠક યોજવામાં આવનાર છે. જે અન્વયે શહેરી વિસ્તારમાં આવેલા તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ડેન્ટિસ્ટ તેમજ ફિઝિયોથેરાપી તબીબની નિમણુંક કરવા માટે કમિશનર તરફથી આવેલી દરખાસ્તને મંજૂર કરવામાં આવશે.
ગાંધીનગર સ્ટેન્ડીંગ કમિટીની બેઠકનું આવતીકાલે બપોરે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કમિશ્નર તરફથી આવેલી દરખાસ્તોને ચર્ચા વિચારણામાં અંતે મંજૂરીની મહોર મારવામાં આવશે. જે અન્વયે ગાંધીનગર મહાનગરપાલિકા હદવિસ્તારમાંથી રખડતાં કૂતરાઓને ખસીકરણ કરીને તેઓને હડકવા વિરોધી રસીકરણ કરવાની કામગીરી કરવા અંગે ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા દ્વારા ભરાઇ આવેલ એજન્સી યશ ડોમેસ્ટેક રીસર્ચ સેન્ટર, પાલનપુરના નેગોશિયેશન બાદના ભાવ રૂ. 1375 મંજુર કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણને મંજુરી આપવા બાબત નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે ડેન્ટલ તથા ફીઝીયોથેરાપીસ્ટની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પણ કમિશ્નર તરફથી દરખાસ્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં નાગરિકોને વધુ સારી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા આગામી દિવસોમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ડેન્ટિસ્ટ તેમજ ફીઝીયોથેરાપીસ્ટ તબીબની પણ હવે નિમણુંક કરવામાં આવશે.
જેનાં પગલે હવે નગરજનોને જેતે સેક્ટરના અર્બન હેલ્થ સેન્ટરમાં પણ ડેન્ટલ તથા ફીઝીયોથેરાપીસ્ટની સુવિધા ઉપલબ્ધ થશે. આ સિવાય ગાંધીનગર મહાનગરપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફિસર, વર્ગ-2 તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર/ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-3 ના ભરતી નિયમોમાં સુધારા કરવા અંગે કમિશનર તરફથી આવેલ ભલામણને મંજુરી આપવા બાબત,સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને ચાલુ વર્ષ માટે રખડતાં પશુઓના નિયંત્રણ/વ્યવસ્થાપન માટે રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવવા, સેનિટેશન શાખા તથા બાગાયત શાખાના ફિલ્ડવર્ક કરતા કર્મચારીઓ માટે 1 કરોડ 25 લાખ 15 હજાર 344 ભાવે એટલે કે પ્રતિ વોચ 26 હજાર 403 ના લેખે 474 જીપીએસ સ્માર્ટ ખરીદવા, મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦૦૦ લિટરથી ઓછી ન હોય તેવી ટાંકીની ક્ષમતા ધરાવતી રિસાયક્લિંગ સુવિધા સાથે જેટીંગ કમ સક્શન મશીન દ્વારા દૈનિક ફરિયાદોના નિવારણ સાથે જુના GMC વિસ્તારની તમામ મિલકતો અને જાહેર શૌચાલયોના ડ્રેનેજ નેટવર્કની યાંત્રિક સફાઇની કામગીરી સહિત 13 જેટલી કમિશ્નર તરફથી આવેલી દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે મંજૂરી અર્થેનાં નિર્ણય લેવામાં આવશે.