જાન્યુઆરી મહિનામાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પગલે ગાંધીનગરના મુખ્ય માર્ગોને સજાવવા માટે સરકારે રૂ.35 કરોડના કામ મંજૂર કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં દેશ-વિદેશના મહાનુભાવોની અવર-જવર રહેશે. સમગ્ર વિશ્વમાં ગાંધીનગરની આગવી છાપ ઊભી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.35 કરોડના કામોને ખાસ મંજૂરી આપવામાં આવી છે.
વાઈબ્રન્ટ મહોત્સવ દરમિયાન એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ, રક્ષાશક્તિથી ગિફ્ટ સિટી અને ભાઈજીપુરા પાટીયાથી પીડીપીયુ તરફ જતા રસ્તાને સજાવવા માટે વિશેષ કાળજી રાખવામાં આવશે. કોબા સર્કલથી ચ – 0 સર્કલ સુધી રોડની ડાબી તરફ ફૂટપાથ અને ફેન્સિંગની કામગીરી માટે રૂ. 3 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રોડની બાજુમાં ફૂટપાથ અને ફેન્સિંગના કારણે સલામતી વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.
આ ઉપરાંત રોડ શો જેવા કાર્યક્રમો દરમિયાન સ્વાગત કરવા માગતા લોકો ફૂટપાથ પર ઊભા રહી શકશે. કોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ સુધી ડાબી બાજુ લેન્ડસ્કેપીંગ તથા ચ-0 સર્કલ બાજુના પ્લોટને બ્યુટીફાઈડ કરવાની કામગીરી માટે રૂ.9 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રાયસણ-કોબા વચ્ચે ભાઈજીપુરાથી સિગ્નેચર બ્રીજના 80 મી (નોલેજ કોરિડોર)ની કામગીરી હાથ ધરાઈ છે. સિગ્નેચર બ્રિજ પર લેન્ડસ્કેપિંગ ડેવલોપમેન્ટ માટે રૂ.19 કરોડનો ખર્ચ કરવામાં …. આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા 3 ઓવરબ્રિજ અને 2 અન્ડરપાસનું થીમ બેઝ્ડ પેઈન્ટીંગ તથા આર્ટવર્ક કરવાની કામગીરી માટ રૂ. 3 કરોડ ફાળવવામાં આવ્યા છે. ધોળાકૂવાથી ગીફ્ટ સિટી તરફ જતા રસ્તાના એપ્રોચ રોડના સુશોભન માટે રૂ.1.50 કરોડ મંજૂર થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા એરપોર્ટથી મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી આપસપાસના વિસ્તારોના સુશોભન માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. રૂ.35 કરોડના ખર્ચે ગ્લોબલ સમિટને છાજે તેવું ગ્લોબલ કેપિટલ બનાવવાનું સરકારનું આયોજન છે.