નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળોમાં રખાતા પ્રત્યેક ઢોરને પ્રતિ દિન રૂપિયા 25 ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સહાય આગામી ત્રણ માસ એટલે કે ઓક્ટોબર,નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચૂકવાશે .શ્રી પટેલે કહ્યું કે રાજ્યની સંવેદનશીલ સરકારે પાંજરાપોળના સંચાલકો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને લઈને આ મહત્વનો નિર્ણય કર્યો છે. પટેલે ઉમેર્યું કે રાજયમાં પ્રવર્તી રહેલ કોરોના ની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઇને અને નાગરિકો ના હિતને ધ્યાને લઈને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કોર ગ્રૂપની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે.તેમણે કહ્યું કે કોરોનાના દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જેતે સમયે જે દર નક્કી કરાયા હતા તેમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે.રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી આજે હવે કીટની સંખ્યામાં અને કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે,ખાનગી લેબોરેટરીમાં જે RTPCR ટેસ્ટ કરવા માટે રૂપિયા 2500 નિયત કરાયા હતા તે ઘટાડીને હવે રૂપિયા 1500 કરવામાં આવ્યા છે એટલે કે એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે એ જ રીતે ખાનગી લેબોરેટરીના ટેકનિશિયન લોકોના ઘરે જઈને સેમ્પલ લઇને જે ટેસ્ટ કરતાં હતા તેનો દર રૂપિયા 3000 વસુલવામાં આવતો હતો તેમાં પણ રૂપિયા 1000નો ઘટાડો કરાયો છે એટલે હવે આ ટેસ્ટ પણ રૂપિયા 2000 માં કરવામાં આવશે.