ગાંધીનગરમાં રહેતી અમદાવાદના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મહિલા મેડિકલ ઓફિસર પાછળ તાલુકા હેલ્થ ઓફિસર લટ્ટુ થઈ ત્રાસ આપતો હોવાથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહિલા મેડિકલ ઓફિસરે પ્રપોઝલ રિજેક્ટ કરી દીધું હોવા છતાં લટ્ટુ થયેલાં તાલુકા હેલ્થ અધિકારીએ સંબંધો રાખવા માટે મર્ડરની ધમકીઓ આપી ગાંધીનગર આવીને ગાડીને પણ નુકશાન કરવામાં આવતાં અંતે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ન્યુ ગાંધીનગર વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલા વર્ષ 2014 થી પતિ અને પરિવાર સાથે રહે છે. હાલમાં તે અમદાવાદનાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જુલાઈ 2023થી પીએચસી સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ અગાઉ તે વર્ષ – 2021 માં વીરમગામ ખાતેનાં એક ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી હતી.
તે વખતે તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ડોક્ટર વિરલ રાજેશભાઈ વાઘેલા ફરજ બજાવતો હતો. જેનાં કારણે બંનેનો અવારનવાર સંપર્ક થતો રહેતો હતો. જો કે મેડિકલ ઓફિસર પાછળ ડો. વિરલ લટ્ટુ થઈ ગયો હતો અને મિત્રતા રાખવા માટે પ્રપોઝ પણ કર્યા કરતો હતો, પરંતુ પરણિત મેડિકલ ઓફિસરે તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. બાદમાં મેડિકલ ઓફિસરે અમદાવાદ ખાતે બદલી કરાવી દીધી હતી. તેમ છતાં તાલુકા હેલ્થ અધિકારી મેડિકલ ઓફિસરનો પીછો છોડ્યો ન હતો.
પ્રપોઝલ રિજેક્ટ થયાની અદાવત રાખી વર્ષ – 2022 થી ડો. વિરલ અલગ અલગ મોબાઇલ નંબરથી મહિલા મેડિકલ ઓફિસરને ફોન કરીને બિભત્સ ગાળો બોલી સંબંધો નહીં રાખે તો મર્ડર કરવાની ધમકીઓ આપતો રહેતો હતો. જો કે બંને સરકારી મેડિકલ ઓફિસર હોવાથી મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
ગત તા. 30મી નવેમ્બરના રોજ ડો. વિરલે હદ વટાવી દીધી હતી. તે અજાણ્યા ઈસમ સાથે ગાંધીનગર આવ્યો હતો અને મેડિકલ ઓફિસરની સોસાયટીમાં પ્રવેશી ગાડીને ચારે તરફ લીટા પાડીને રવાના થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના… સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં મહિલા મેડિકલ ઓફિસરે આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે.