ગાંધીનગરના શાહપુર સર્કલ નજીક ઓવરબ્રીજ નીચે માતેલા સાંઢની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફામ રીતે હંકારીને એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક્ટિવા સવાર વૃદ્ધ દંપતીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં પત્નીનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં ટ્રાફિક જામની સમસ્યાથી પીડાતા શાહપુર સર્કલ નજીક ગઈકાલે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં વૃદ્ધ દંપતી ખંડિત થયું છે. અત્રે ઓવરબ્રિજ બન્યા પછી નાગરિકોને એમ હતું કે ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળી જશે. જો કે ટ્રાફિકની સમસ્યા ઠેરઠેરની રહેતા નગરજનોને મુશ્કેલીઓ વેઠવાનો સિલસિલો યથાવત રહ્યો છે. એમાંય બેફામ ગતિએ દોડતી ઓવરલોડ ટ્રકો સામે નક્કર કડક કાર્યવાહી નહીં કરવામાં આવતાં માતેલા સાંઢની માફક ટ્રકની ટક્કરથી 68 વર્ષીય વૃદ્ધને જીવન સંગિની ગુમાવવાનો વખત આવ્યો છે.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા મિરાપુર ગામે રહેતા ભિખાભાઈ મનોરભાઇ પટેલને પત્નિ સવિતાબેન (ઉ.65) હતા. ગઈકાલે વૃદ્ધ દંપતી એક્ટિવા ઉપર ઘરેથી ચાદખેડા ખાતે સગાઇના પ્રસંગમાં જવા માટે નિકળ્યા હતા. અને સાંજના આશરે છ વાગ્યાના સમયે રિલાયન્સ સર્કલથી આગળ નિકળી શાહપુર સર્કલ નજીક ઓવર બ્રીજ નીચે ટ્રકના ચાલકે પોતાની ટ્રક બેફામ ગતિએ ગફલતભરી રીતે હંકારીને પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી.
આ અકસ્માત સર્જાતા પતિ પત્ની એક્ટિવા સાથે રોડ ઉપર પટકાયા હતા. જેનાં કારણે બંનેને શરીરે ઈજાઓ થઈ હતી. અને સવિતાબેન બેભાન થઈ ગયા હતા. જ્યારે ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો. આ દરમ્યાન આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં વૃદ્ધ દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન સવિતાબેનનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતુ. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.