ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂના ઠેકાણે IT દ્વારા છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી દરોડાની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવી ચૂક્યા છે.
આ મુદ્દે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. એવામાં આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ મામલે તેમણે કહ્યું હતું કે આ કોંગ્રેસના ભ્રષ્ટાચારનો પુરાવો છે.
આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસના સાંસદ ધીરજ સાહૂના ઘરે દરોડા દરમિયાન મળી આવેલી રકમનો આંકડો સાંભળીને તો આંખો પહોળી થઈ જાય છે. અત્યાર સુધીમાં 300 કરોડ જેટલી રકમ કબજે કરવામાં આવી છે, આ કોંગ્રેસના ભ્રષ્ટાચારનો પુરાવો છે. આમ કહીને સીઆર પાટીલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
મહત્વનું છે કે ધીરજ સાહૂને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એકદમ નજીકના નેતા માનવામાં આવે છે. તેમના રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર સાથે સારા સંબંધો છે. જેને લઈને પણ હવે ગાંધી પરિવાર પર નિશાના પર છે. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે 2 વખત લોકસભા ચૂંટણીમાં હાર્યા હોવા છતાં કોંગ્રેસે ધીરજ સાહૂને 3 વખત રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે. હવે આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ મૌન સાધ્યું છે. આમ ધીરજ સાહૂને લઈને સમગ્ર ગાંધી પરિવાર અને કોંગ્રેસ હાલ બેકફૂટ પર જોવા મળી રહી છે. આ મુદ્દો કોંગ્રેસ માટે તેના ગળાની ફાંસ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
આ મામલે ગુજરાત ભાજપ અધ્યક્ષ પાટીલે વધુમાં જણાવ્યું કે, પીએમ મોદી ભ્રષ્ટાચારને જડમૂળખી ઉખેડવા માટે પ્રતિબદ્ધ છે. જનતાનો લૂંટેલો એક-એક પૈસો પાછો આપવો પડશે, તે PM મોદીની ગેરન્ટી છે. કોંગ્રેસના એક જ સાંસદ પાસેથી આટલી રોકડ પકડાઈ, તો અન્ય સાંસદો પાસે કેટલી રકમ હશે. ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીએ તેનો હિસાબ આપવો જ પડશે. કોંગ્રેસ પાર્ટી કૌભાંડ પર કૌભાંડ કરી રહી છે. આવા કૌભાંડના કેન્દ્રનું નામ ગાંધી કરપ્શન સેન્ટર રાખવામાં આવે તો કંઈ ખોટું નથી, કારણ કે આ તમામ કૌભાંડીઓને ત્યાં જ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સમગ્ર કૌભાંડ પાછળ રાહુલ અને સોનિયા ગાંધી જ જવાબદાર છે. આમ સીઆર પાટીલે સીધું કોંગ્રેસ આલાકમાન અને નેતાગીરી પર જ નિશાન તાક્યું હતું અને કોંગ્રેસને ભ્રષ્ટાચારના આરોપો પર આડેહાથ લીધી હતી.
આ મામલે સીઆર પાટીલે વધુમાં કહ્યું હતું કે એકબાજુ દેશમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કામ કરતી ભાજપા સરકાર છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારી ગેંગ એક થઇ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. રાહુલ ગાંધીની મહોબતની દુકાનમાંથી નોટોનો પહાડ નીકળ્યો છે અને હજી તો આ એક જ દુકાન ઝડપાઇ છે. આ કૌભાંડ પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસનાં નેતાઓનાં ઇશારે જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો. જનતાએ કોંગ્રેસનાં આ કૌભાંડી ચહેરાને ઓળખી લેવો જોઇએ. કોંગ્રેસનાં નેતા આ ગંભીર મુદ્દે કેમ મૌન છે એનો પણ એમણે જવાબ આપવો જોઇએ. આમ કહીને સીઆર પાટીલે કોંગ્રેસની કાર્યશૈલી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.