મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું છે કે, જગતનો તાત સાચા અર્થમાં તાત બને તે દિશામાં નિર્ધાર કરીને રાજ્ય સરકાર સમયબદ્ધ આયોજન કર્યું છે. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફવાળીને હરિતક્રાંતિમાં પણ દેશભરમાં ગુજરાત રોલ મોડલ બનશે. તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે. ખેડૂતોના સર્વગ્રાહી કલ્યાણ માટે ગુજરાત સરકારે જાહેર કરેલી “સાત પગલાં ખેડૂત કલ્યાણાના” યોજનાના બીજા ચરણમાં આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના ૭૦માં જન્મદિવસે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવાની યોજનાનો રાજ્ય વ્યાપી શુભારંભ મુખ્યમંત્રીશ્રી કરાવ્યો હતા. રાજ્યના ૭૦ સ્થળોએ યોજાયેલા આ સમારોહમાં ગાંધીનગરથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો સહભાગી થયા હતા.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંલગ્ન બે યોજનાઓના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થશે. તેમણે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહક યોજનાથી ખેડૂતોનો પુરુષાર્થ પારસમણી બનીને ખેતરોમાં લહેરાશે. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાય ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે એટલે જ વેદોમાં ગાવો વિશ્વસ્ય માતરઃ અર્થાત કલ્યાણકારી ગાયને વિશ્વની માતા સમાન ગણાવાઇ છે. સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત દેશી ગાયના પાલન માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ માસ રૂ. 900 ની સહાય તેમજ પ્રાકૃતિક કૃષિ માટે દેશી ગાયના છાણ અને ગૌ મૂત્રની મદદથી બનતા કુદરતી ખાતર જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા માટે ખેડૂતોને રૂ. 1350ની સાધન સહાય આપવાની આ બે યોજનાઓ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે નવું બળ પૂરું પાડશે. રાજ્યપાલશ્રીએ ગુરુકુળ કુરુક્ષેત્રમાં 200 એકર જમીનમાં થઇ રહેલી પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, આ કૃષિ પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા વધે છે, જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે તેમજ દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રની મદદથી 30 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે. આ પદ્ધતિમાં કૃષિ ખર્ચ નહિવત હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો છે તેને સાકાર કરવામાં પ્રાકૃતિક કૃષિ સ્વયં રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બની રહશે એટલું જ નહીં રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી લોકોના સ્વાસ્થ્યને થતી હાનિને અટકાવી શકાશે. રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશને રાહ ચીંધશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને રાજ્યના ૬.૫ કરોડ નાગરિકો વતી શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત માતા જગત જનની બને એવી ઇશ્વર એમને શક્તિ અને દિઘાર્યુ આપે એવી પ્રાર્થના છે. મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું કે, કૃષિ સંસ્કૃતિના હિતેચ્છુ અને હિમાયતી રહેલા વડાપ્રધાનશ્રી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખેડૂતોને આકાશી ખેતી છોડીને ટપક સિંચાઇ, સ્પ્રિંકલર અને ઓર્ગેનિક ખેતી કરતા થાય એ માટે શરૂ કરેલા કૃષિ મહોત્સવના પરિણામે રાજ્યનો કૃષિ વિકાસદર ડબલ ડીજીટમાં પહોંચ્યો છે. તેમણે જમીનને પારખીને ખેડૂતો ખેતી કરે એ માટે સોઇલ હેલ્થકાર્ડ અને લેબ ટુ લેન્ડ નો અભિગમ થકી દીર્ઘ દ્રષ્ટિપૂર્વક આયોજન કર્યુ જેના પરિણામે આ શક્ય બન્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતે અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના’’માં આજે બીજા ચરણમાં આ બે પગલાં ચોક્કસ મહત્વના પુરવાર થશે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે દેશી ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે સહાય ખેડૂતો માટે નવી આશાનું કિરણ લાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.