ગાંધીનગરના સેક્ટર – 29 પોલીસ ચોકીની સામે આવેલા વંદે માતરમ્ – 2 સોસાયટીમાં છ જેટલા બુકાનીધારી તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. અત્રેની સોસાયટીમાં 40 ટકા પોલીસ કર્મચારીઓ પણ વસવાટ કરી રહ્યા છે. તસ્કરોએ છ જેટલા બંધ મકાનના તાળા તોડ્યા હતા. જેને પગલે વસાહતીઓ ફફડી ઉઠયા છે. બનાવની જાણ થતાં સેક્ટર – 21 પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.
ગાંધીનગરમાં બેફામ બનેલા તસ્કરો એક પછી એક ગુનાને અંજામ આપી સિફતપૂર્વક પલાયન થઈ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. અડાલજ ગામની સીમમાં બે દિવસ પહેલા ચડ્ડી બનિયનધારી ગેંગ ચોરી કરવા ત્રાટકી હતી. જો કે કઈક અવાજ સાંભળીને વૃદ્ધ દંપતી નિંદ્રામાંથી જાગી ગયું હતું. બાદમાં વૃદ્ધે બુમાબુમ કરતાં ગેંગ ભાગી ગઈ હતી. ત્યારે ગઈકાલે રાત્રિ દરમ્યાન પણ બુકાનીધારી તસ્કર ટોળકીએ સેકટર – 29 વંદે માતરમ્ – 2 સોસાયટીને ઘમરોળી નાખી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રીના સમયે બંધ રહેતી સેક્ટર29 પોલીસ ચોકીની સામે આવેલ અત્રેની સોસાયટીમાં એકસૂત્રતાનાં અભાવે સીસીટીવીની વ્યવસ્થા ગોઠવાઈ શકી નથી. અહીં 168 મકાનમાં સરકારી કર્મચારીઓ પરિવાર સાથે વસવાટ કરે છે. જાણીને નવાઈ લાગશે પણ 168 પૈકી 40 ટકા મકાનમાં પોલીસ કર્મચારીઓ-એસઆરપી જવાનો પોતપોતાના પરિવાર સાથે રહે છે.
ગઈકાલે રાત્રિ દરમ્યાન સોસાયટીમાં બુકાનીધારી છ જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. સોસાયટીના રહિશોની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી એક પછી છ બંધ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાની વહેલી સવારથી જ બૂમરાણ ઉઠી છે. જે પૈકી ત્રણ મકાનોમાં નજીવી રોકડ રકમ ચોરાઈ છે. જ્યારે એક મકાનમાં દાગીના – રોકડા રૂપિયાની પણ ચોરી થઈ છે. જે મકાનના માલિક બહારગામ ગયા હોવાથી હજી ચોરીનો ચોક્ક્સ આંકડો બહાર આવી શક્યો નથી.
બીજી તરફ સોસાયટીની એક મહિલા જાગી જતાં તસ્કર ટોળકી સોસાયટીના પાછળના ભાગેથી ફરાર થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં થતાં સેકટર – 21 પોલીસ સ્થળ પર પહોંચીને વસાહતીઓનાં નિવેદન નોંધી ઘરફોડ ચોરીનો આંકડો મેળવવા તજવીજ હાથ ધરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉક્ત સોસાયટીમાં થોડા દિવસો અગાઉ વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતી હોવાની પણ બૂમરાણ ઉઠી હતી.
ઉલ્લેખનીય છે કે, દિવાળી ટાણે ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાએ “સતર્ક” નામનો પાયલોટ પ્રોજેક્ટ તરતો મૂકવામાં આવ્યો હતો. જે અન્વયે નગરજનોને સોસાયટીઓમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. ત્યારે વંદે માતરમ્ – 2 સોસાયટીમાં રહેતા વસાહતીઓની આળસનાં કારણે અહીં સીસીટીવીની વ્યવસ્થા હજી સુધી ઉભી થઈ શકી નથી. એક સાથે છ મકાનના તાળા તૂટયા છે.