ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા તાલુકાના છેવાડે આવેલા સાદરા ગામમાં ડમ્પિંગ સાઇટ બનાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. જેને લઇને ગામમાં વિરોધનો વંટોળ ઉભો થઇ ગયો છે. આજે રવિવારે સાદરા ગામમાં ડમ્પિંગ સાઇટના વિરોધને પગલે બજારો બંધ રાખવામાં આવ્યા હતા.
ગ્રામજનોએ એક સુર વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, ડમ્પિંગ સાઇટ સાદરા ગામમાં બનાવવામાં આવશે તો સંકલ્પ યાત્રા રથનો બહિષ્કાર કરવામાં આવશે.
ગાંધીનગર મહાપાલિકાની ડમ્પિંગ સાઇટનો મુદ્દો સતત ચર્ચાતો રહ્યો છે. એક દાયકા કરતા વધારે સમય થવા છતા મહાપાલિકાની ડમ્પિંગ સાઇટનુ કોકડુ ઉકેલાતુ નથી. હવે મહાપાલિકા દ્વારા સાદરામાં ડમ્પિંગ સાઇટ બનાવવાનુ નક્કી કરવામાં આવી રહ્યુ છે, જેને લઇને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દહેશન વ્યક્ત કરી રહ્યા છેકે, ગામમાં ડમ્પિંગ સાઇટ આવતા નાગરિકોના આરોગ્ય સામે ખતરો ઉભો થશે.
મહાપાલિકા દ્વારા હજુ સુધી સાદરામાં જ ડમ્પિંગ સાઇટ બનાવાની વિચારણા પુર જોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રામજનોએ આજે રવિવારે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. સાદરા ગામના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધ પાળ્યો હતો. તે ઉપરાંત ગામમાં એક રેલીનુ આયોજન કરાયુ હતુ. જેમાં નાના મોટા, મહિલાઓ સહિતના નાગરિકો જોડાયા હતા. રેલીમાં બેનરમાં લખવામાં આવ્યુ હતુ કે, રુડુ રુપાળુ સાદરા ગામ, તેને ના બનાવશો કચરાનુ ધામ..સહિતના અલગ અલગ સુત્રો પોકારવામાં આવ્યા હતા.
તમે ફેરવશો વિકસીત ભારતના રથ અને સાદરાને આપશો કચરાના રથ ? જેવા સુત્રોચ્ચાર ગામમાં પોકારવામાં આવ્યા હતા. ગામજનોએ સંકલ્ય યાત્રા રથનો વિરોધ કરવાની ચિમકીની સાથે લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારતા હતા. મહાપાલિકાની ડમ્પિંગ સાઇટનો મુદ્દો વધારે ગરમાઇ રહ્યો છે. સાદરાના ગામલોકો પણ હવે લડી લેવાના મુડવામાં જોવા મળી રહ્યા છે.