મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની માતા-બહેનોના આર્થિક સશક્તિકરણથી તેમને પણ વિકાસમાં જોડીને માથાદીઠ આવક વધારીને ગુજરાતને દેશમાં મહિલા સશક્તિકરણનું રોલ મોડલ બનાવવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના વધુ બળ પુરૂં પાડશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, દેશના વિકાસ માટે માથાદીઠ આવક વધારવા મહિલાશક્તિને આત્મનિર્ભર બનાવવી આવશ્યક છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યની ગ્રામીણ-શહેરી માતા-બહેનો, નારીશકિતમાં પડેલી ક્ષમતા, કૌશલ્ય સાથે તેના બાવડાના બળે પરિવારનો આર્થિક આધાર બનવાની સજ્જતા માટે ૧૦ લાખ બહેનોને ૧ કરોડની લોન-ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની ગુજરાતની પહેલ દેશભરમાં મહિલાઉત્કર્ષ માટેની નવી દિશા ચિંધશે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસની ગુજરાતમાં પંચામૃત વિકાસ કાર્ય ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ મહિલા-નારીશક્તિને ઇ-લોંચીંગ દ્વારા આપી હતી. રાજ્યભરમાં યોજાયેલા આ લોન્ચીંગમાં નાયબ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ પણ સંબંધિત સ્થળે જોડાયા હતા. વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરમાં વિવિધ ૭૦ સ્થળોએથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલી ગ્રામીણ-શહેરી મહિલાશક્તિને આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં જોડાવા આહવાન કરતાં આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સાકાર કરવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ યોજનામાં ૧ લાખ સખીમંડળો દ્વારા ૧૦ લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે કુલ પ૦ લાખ લોકોને આર્થિક આધાર આપવાની આપણી નેમ છે.
વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મહિલાને શક્તિસ્વરૂપા કહીને આપણી સંસ્કૃતિમાં તેને જે ગૌરવવંતુ સ્થાન અપાયું છે તેને હવેના સમયમાં પુરૂષ સમોવડી મહિલાશક્તિ બનાવીને સ્ત્રીશક્તિના સર્વાંગી વિકાસનો ધ્યેય આપણે પાર પાડીશું. મુખ્યમંત્રીશ્રીએ આ અંગે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ બહેનોની વિશેષ ચિંતા કરીને જનધન યોજના, ઉજ્જવલા યોજનામાં ગેસના ચૂલા વિતરણ, ખૂલ્લામાં શૌચક્રિયામુકતી માટે ૧૦૦ ટકા શૌચાલય સહિત દરેક યોજનામાં મહિલાશક્તિને કેન્દ્રસ્થાને રાખી તેને પડતી દુવિધા નિવારવાનો પ્રયાસ કરવાની પ્રાયોરિટી આપી છે. ગુજરાતમાં પણ આ જ પગલે ચાલતાં રાજ્ય સરકારે પોલીસદળમાં ૩૩ ટકા મહિલા અનામત, પંચાયતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રતિનિધિત્વમાં પ૦ ટકા મહિલા આરક્ષણ, ઊદ્યોગોમાં પણ બહેનો માટે વિશેષ GIDCની નવતર પ્રથા દ્વારા માતા-બહેનોને સત્તામાં સ્થાન અને સમાજવ્યવસ્થામાં સન્માન આપ્યા છે. તેમણે કહ્યું કે, અગાઉ બહેનો માટે બેન્કમાં ખાતા ખોલાવવા પણ અઘરા હતા હવે આપણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે ઝીરો બેલેન્સથી ખાતા ખૂલે છે અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તો શૂન્ય ટકા વ્યાજે લોન-ધિરાણ પણ મળવાનું છે.
મુખ્યમંત્રીએ આ સમગ્ર યોજના પાથરણા પાથરી શાકભાજી, નાનો વ્યવસાય કરતી ગરીબ બહેનોને રોજે-રોજ વ્યાજે પૈસા લાવી ધંધો કરવો પડતો તેની માનસિક વેદનામાંથી બહાર લાવી અને તેને આર્થિક આધાર આપી પગભર કરવાની સંવેદનામાંથી પ્રગટી છે તેમ દ્રષ્ટાંત સહ જણાવ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં બહેનોના સખીમંડળોને નોંધણી પછી પ્રોજેકટ બનાવવો પડતો. બેન્કમાં લોન મંજૂરી માટે આપવો પડતો ને પછી મહામહેનતે લોન મળતી. હવે આ સરકારે બેન્કો સાથે એવી વ્યવસ્થા ગોઠવી છે કે, મંડળ નોંધાય કે તરત જ તેને બેન્ક લોન આપે છે. મુખ્યમંત્રીએ રાજ્યની ગરીબ, શ્રમજીવી, સામાન્ય વર્ગની માતા-બહેનોને બે પાંદડે થવામાં આ મુખ્યમંત્રી મહિલાઉત્કર્ષ યોજના ઉપકારક થશે એવી અડગ શ્રદ્ધા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે આ યોજનાથી જે ઇનીશ્યેટીવ્ઝ લીધા છે તેમાં સરકારી, સહકારી બેન્કો અને ખાનગી બેન્કો તથા ધિરાણ સંસ્થાઓની સહભાગીતા પણ મળી છે. રાજ્ય કક્ષાએ પાંચ બેન્કો, ગુજરાત સ્ટેટ-કો ઓપરેટીવ બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, એચ.ડી.એફ.સી. બેન્ક અને એક્સિસ બેન્ક દ્વારા આ યોજનામાં જોડાવા અંગેના MoU મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ૭૦ સ્થળોએ યોજાયેલા આ મુખ્યમંત્રી મહિલાઉત્કર્ષ યોજના ઇ-લોંચીંગમાં ૧૧ જિલ્લા સહકારી બેન્કો, ૬પ અર્બન કો-ઓપરેટીવ બેન્કો, ૪૩ ક્રેડીટ સોસાયટી મળી ૧૧૯ નાણાં સંસ્થાઓ દ્વારા લોન્ચીંગના દિવસે જ નવા ૩૩૭ મહિલા ગૃપને લોન મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ બેન્કોની આ સક્રિયતા અંગે આભાર વ્યકત કરતાં કહ્યું કે, માતા-બહેનોને આત્મનિર્ભર-સ્વાવલંબી બનાવવામાં આ યોજના એક સફળ પગલું બનશે જ .મહિલા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવેએ પ્રાસંગિક સંબોધનમાં આ યોજનાને મુખ્યમંત્રીશ્રીની મહિલા-માતા બહેનો પ્રત્યેની અત્યંત સંવેદનશીલતાની પરિચાયક ગણાવી હતી. તેમણે ગુજરાતની સમગ્ર મહિલાશક્તિ વતી મુખ્યમંત્રીશ્રીનો આ યોજના માટે આભાર વ્યકત કર્યો હતો. આ ઇ-લોન્ચીંગ વેળાએ શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, ગ્રામ વિકાસ સચિવ શ્રી વિજય નહેરા, શહેરી વિકાસ સચિવ શ્રી લોચન શહેરા, લાઇવલી હૂડ પ્રમોશન કંપનીના એમ.ડી. શ્રી કાપડીયા તથા અર્બન લાઇવલી હુડ મિશનના શ્રી હર્ષવર્ધન મોદી અને બેન્કના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.