રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડના ત્રણ અન્ય આરોપીની શનિવારની મોડી રાત્રે પોલીસે ચંદીગઢથી ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી ચંદીગઢ સેક્ટર 22એ માં દારુના ઠેકા ઉપર બનેલા રુમમાં સંતાયા હતા. ધરપકડ કરાયેલા બે આરોપી – રોહિત રાઠોડ અને નિતિન ફોજી હત્યાના મુખ્ય ગુનેગાર છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને રાજસ્થાન પોલીસની સાથે સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા મળી છે. ત્રણેય આરોપીઓને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં લઈ જવામાં આવ્યા, ત્યાંથી પોલીસ તેમને લઈને જયપુર નીકળી ગઈ છે. આ અગાઉ, શનિવારે જયપુર પોલીસે શૂટર્સની મદદ કરનાર રામવીરની ધરપકડ કરી હતી. એ શૂટર નિતિન ફોજીનો મિત્ર છે.
ત્રણ આરોપી પૈકી રોહિત રાઠોડ (રોહિત ગોદારા) ગેંગસ્ટર લોરેન્સ વિશ્વોઈ ગેંગનો સાગરિત છે. તેણે ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી હતી. રોહિત ગોદારા 2022માં બોગસ નામથી પાસપોર્ટ બનાવીને દેશની બહાર ભાગી ગયો હતો. તે વિદેશ જતા પહેલા બીકાનેરના લૂણકરણસરમાં કપૂરિયાસરમાં રહેતો હતો. ચુરુના સરદારશહેરમાં 2019માં ભીવરાજ સારણની હત્યાના મામલામાં પણ મુખ્ય આરોપી હતો.