ગાંધીનગર શહેરમાં પિરસાતી ખાદ્ય સામગ્રીઓની ચકાસણી માટે મહત્વના એવા ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓને કારણે અસરકારક કામગીરી થઇ શકતી નથી બીજીતરફ મહાનગરપાલિકાના ભરતી નિયમોને કારણે ભરતી પ્રક્રિયાઓ છતાં કોઇ ઉમેદવાર નહીં મળતા આખરે મહાનગરપાલિકાને નિયમો સુધારવાની ફરજ પડી છે.
મહાનગરપાલિકાની સ્થાપનાને દસકો વિતી ગયા છતાં હજુ સુધી ફૂડ સેફ્ટીની બાબતે મજબૂત વ્યવસ્થા તંત્ર ગોઠવી શકાયું નથી. ડેઝિગ્નેટેડ ઓફિસરની જગ્યા ખાલી હોવાથી ફૂડ સેમ્પલો લેબોરેટરીમાં મોકલીને ચકાસણી કરાવવા તેમજ દંડનીય પગલાં સહિતની કામગીરી પર વ્યાપક અસર પડે છે. મહાનગરપાલિકા દ્વારા ડેઝિગ્નેટેડ ઓફિસર અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેની ભરતીની પ્રક્રિયા જીપીએસસીને સોંપવામાં આવી હતી. પરંતુ ભરતીના નિયમોમાં એવી જોગવાઇ રાખવામાં આવી હતી કે ઉમેદવારને મહાપાલિકામાં સંલગ્ન કામગીરીનો અનુભવ હોવો જોઇએ. આ પ્રકારના નિયમને કારણે પ્રક્રિયા છતાં ઉમેદવાર મળી શકતા ન હતા. આ મામલે જીપીએસસી દ્વારા મહાનગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો હતો. જેથી મહાનગરપાલિકાએ નિયમો સુધારવામાં આવ્યા છે. હવે ઉમેદવાર સ્થાનિક સંસ્થા, સરકારી કે અર્ધ સરકારી સંસ્થા ઉપરાંત લિમિટેડ કંપનીમાં અનુભવ ધરાવતો હશે તો પણ ભરતી પરીક્ષામાં ભાગ લઇ શકશે. આ નવા નિયમો મામલે મ્યુનિસિપલ કમિશનરે કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપી દેવાઇ છે તે પછી સામાન્ય સભામાં મંજૂરી મળ્યા બાદ નવા નિયમો સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે જીપીએસસીને દરખાસ્ત મોકલવામાં આવશે.