વડોદરા શહેરમાં રોંગ સાઈડ જઈ રહેલા યુવકે કારને ટક્કર મારતાં કારમાં બેઠેલી મહિલાએ ઊતરીને યુવકને લાફાવાળી કરી હતી, જેને પગલે ટ્રાફિક-પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પડ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે સમાધાન થઈ ગયું હતું, જેથી ગોરવા પોલીસે યુવકની બાઈકને ડિટેઇન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલાએ યુવકને માર માર્યો એ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે, જેમાં પોલીસ યુવકનો કાઠલો પકડી રાખ્યો છતાં મહિલા એક બાદ એક ત્રણ તમાચા ઝીંકી દે છે.
વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે એક દંપતી કાર લઈને જઈ રહ્યું હતું. આ સમયે એક યુવક રોંગ સાઈડમાં બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. યુવકે બાઈક કારને અથડાવતાં કારમાં સવાર દંપતી કારમાંથી નીચે ઊતર્યું હતું. કારમાંથી ઊતરેલી મહિલાએ યુવક પર લાફાવાળી શરૂ કરી દીધી હતી. જેથી આસપાસના વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા. ટ્રાફિક-પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. જોકે રસ્તા ઉપર તમાશો થઈ જતાં રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. યુવક અને મહિલાને ગોરવા પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતાં. જોકે મહિલા અને યુવકે ફરિયાદ કરવાની ના પાડી હતી અને આ મામલે સમાધાન કરી લીધું હતું. ગોરવા પોલીસે યુવકની બાઈક ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે. મકવાણાએ જણાવ્યું હતું કે યુવક અને મહિલા વચ્ચે સમાધાન થઈ ગયું છે, જોકે યુવક રોંગ સાઈડ જતો હોવાથી અમે તેની બાઈક ડિટેઇન કરી છે અને યુવક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા ટ્રાફિક-પોલીસ દ્વારા રોંગ સાઈડ જતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં વાહનચાલકો રોંગ સાઈડ જઈ રહ્યા છે. રોંગ સાઈડ જતા વાહનચાલકો અકસ્માત કરે ત્યારે આ પ્રકારનો તમાશો સર્જાય છે.