ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને 15 મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ રિટર્નિંગ ઓફિસર દ્વારા ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ 51 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
જે મુજબ પ્રમુખ માટે ત્રણ દાવેદાર, ઉપ પ્રમુખ માટે ત્રણ દાવેદાર, જનરલ સેક્રેટરી માટે ચાર દાવેદાર, જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ દાવેદાર, ટ્રેઝરર માટે બે દાવેદાર અને 15 સભ્યોની મેનેજિંગ કમિટી માટે 36 વકીલોએ ઉમેદવારી નોધાવી છે. જોકે, મતદાન હવે 15 ડિસેમ્બરની જગ્યાએ સમગ્ર રાજ્યના તમામ બાર એસોસિએશન સાથે 22 ડિસેમ્બરે યોજાશે. હોદ્દેદારોની ચૂંટણીની મત ગણતરી 22 ડિસેમ્બરે જ્યારે મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણીની મત ગણતરી 23 ડિસેમ્બરે યોજાશે.
ચૂંટણી સંદર્ભે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ બાર કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં તમામ બાર એસોસિએશનની ચૂંટણી 22 ડિસેમ્બરે છે. કોઈ પણ જાતના ઠરાવ વગર હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની ચૂંટણી 15 ડિસેમ્બરે કેમ રખાઈ? વળી આ વખતે મતદાર યાદીમાં 700 મતદારોનો વધારો થયો છે. નવા મતદારોનો મતદાર યાદીમાં નિયમો મુજબ ઉમેરો થયો હોય તે માટે સ્ક્રૂટીનીની જરૂર છે. સાથે જ તમામ ઉમેદવારો પાસે સમાન રીતે મતદારોનો એક્સેસ નથી.
ઉપરોક્ત અરજી અંગે બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણીની તારીખ 22 ડિસેમ્બર કરાઈ હતી. જ્યારે કોઈ પણ બોગસ મતદાર ન ઉમેરાયો હોવાનું જાહેર કરાયું હતું. ચૂંટણી અધિકારી યોગેશ રવાણીએ જણાવ્યું હતું કે, નવા મતદાર યાદીમાં નવા ઉમેરાયેલા વકીલોના ડેટા ઉમેદવારોને અપાશે. જ્યાં સુધી વકીલોના નંબરની વાત છે તો છેલ્લી ડિરેક્ટરી 2018માં બની હતી. GHAAના 12 જેટલા વોટ્સએપ ગ્રૂપ છે. જેમાં તમામ ઉમેદવારોને એડમીન બનાવાશે. ઓલ ઈન્ડિયા બારની પરીક્ષા પાસ ન કરી હોય તેવા લોકોને વોટર લિસ્ટમાં સમવાયા છે તે બાબત ખોટી છે.
આગામી સમયમાં વોટર સુધી પહોંચવા અને ચૂંટણી અંગે તમામ ઉમેદવારોના અભિપ્રાય લેવાશે. સૌથી અગત્યની વાત વોટિંગ બાદ કાઉન્ટિંગ કેમેરાની નજર નીચે થશે. બેલેટ પેપર કેમેરા નીચે ખુલશે. દરેક વ્યક્તિ તેને સ્ક્રીન ઉપર જોઈ શકશે. તો કાઉન્ટિંગ પણ સ્ક્રીન ઉપર દર્શાવાશે. આમ ચૂંટણીમાં સંપૂર્ણ પારદર્શિતા લવાશે.
GHAAના વર્તમાન પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દર બે વર્ષે એસોસિએશનની ચૂંટણી થાય છે. ગત સમયે 1750 વોટર હતા જે આ વખતે 2553 થયા છે. GHAA એક પબ્લિક ટ્રસ્ટ છે તે રજિસ્ટર્ડ છે અને તેની બુક્સનું ઓડિટિંગ થાય છે. તેમજ દરેક વ્યવહાર ચેકથી થાય છે. ઓલ ઇન્ડિયા બારની પરીક્ષા પાસ કરી હોય તેને જ વોટર લિસ્ટમાં સામેલ કરાયા છે. 23 તારીખથી હાઇકોર્ટમાં ક્રિસમસ વેકેશન પડવાનું હોવાથી વહેલી ચૂંટણી રખાઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં 2200 જેટલા વકીલો મતદાન કરે તેવી શક્યતા છે. સાથે જ દરેક ઉમેદવારોને મતદારોનો એક્સેસ અપાશે. આ ચૂંટણી ઓક્ટોબર મહિનામાં જાહેર થઈ હતી તો ત્યારે કેમ તારીખોને લઈને ફરિયાદ ન કરાઈ અને ચૂંટણીના 10 દિવસ પહેલા ફરિયાદ થઈ! જ્યાં સુધી વકીલોના વોટ્સેપ ગ્રૂપનો સવાલ છે તો તે ફક્ત કાર્યક્રમો અને વકીલોના સંપર્ક માટે છે. તમામ 51 ઉમેદવારોને વકીલોના વોટ્સએપ ગ્રૂપના એક્સેસ અપાશે.