શું દેશમાં કોન્ડોમની અછત છે? ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં કોન્ડોમની અછત છે, પરંતુ હવે સરકારે આવા અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે. કેટલાક મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે, ભારતના કુટુંબ નિયોજન કાર્યક્રમને ઝટકો લાગી શકે છે. કારણ કે દેશની કેન્દ્રીય એજન્સી ગર્ભનિરોધક ખરીદવામાં નિષ્ફળ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, “આવા અહેવાલોમાં ખોટી અને ભ્રામક માહિતીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.” સેન્ટ્રલ મેડિકલ સર્વિસ સોસાયટી (CMSS), એક સ્વાયત્ત સંસ્થા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળની કેન્દ્રીય પ્રાપ્તિ એજન્સી, રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ અને રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ માટે કોન્ડોમની ખરીદી કરે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “CMSSA મે, 2023માં કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે 5.88 કરોડ કોન્ડોમની ખરીદી કરી હતી અને કોન્ડોમની વર્તમાન સ્ટોક સ્થિતિ કુટુંબ નિયોજન કાર્યક્રમની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતી છે.” હાલમાં, નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) મેસર્સ HLL લાઇફકેર લિમિટેડ તરફથી કોન્ડોમનો 75 ટકા મફત પુરવઠો પ્રાપ્ત કરી રહ્યું છે. તાજેતરની મંજૂરીના આધારે, તે 2023-24 માટે CMSS સાથે બાકીનો 25 ટકા જથ્થો પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. મેસર્સ એચએલએલ લાઇફકેર લિમિટેડ તરફથી ઓર્ડર કરાયેલા 6.6 કરોડ કોન્ડોમ દ્વારા NACOની જરૂરિયાત પૂરી કરવામાં આવી રહી છે.
મંત્રાલયે કહ્યું કે, તે સ્પષ્ટ કરવામાં આવે છે કે કોન્ડોમની અછતનું કોઈ કારણ નથી. કારણ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ટેન્ડર પ્રક્રિયા અને વિવિધ દવાઓ અને તબીબી વસ્તુઓના પુરવઠાની સ્થિતિ પર નજર રાખવા માટે મંત્રાલયમાં સાપ્તાહિક સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે.