ન્યુ ગાંધીનગરનાં કુડાસણ, રાયસણ અને કોબા વિસ્તારમાં આવતા તમામ ગામડાઓ તેમજ સોસાયટીઓના ઉત્તર વીજ ગુજરાત કંપની દ્વારા સવારે 8 થી 4 વાગ્યા સુધી શટ ડાઉન આપવામાં આવ્યું છે. અત્રેના વિસ્તારમાં વીજ પુરવઠા લાઈનનું મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી યુ જીવીસીએલ દ્વારા આવતીકાલ સવારથી જ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવનાર છે. જે ચાર વાગ્યા કામ પૂર્ણ થઈ ગયા પછી વીજ પુરવઠો પૂર્વવત ચાલુ કરી દેવામાં આવશે, તેમ કુડાસણ સબ ડીવીઝનના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે.
ન્યૂ ગાંધીનગરમાં વસવાટ કરતાં અને વેપાર-વ્યવસાય ધરાવતા હજારો લોકો માટે આવતીકાલે શુક્રવારનો દિવસ અગવડભર્યો રહેવાનો છે . આવતીકાલે 15 ડિસેમ્બર શુક્રવારે ન્યૂ ગાંધીનગરના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. ખાસ કરીને સવારે મોડા ઉઠવાની ટેવ હોય અથવા એસી વગર ન ચાલતું હોય તેવા લોકોને વધારે મુશ્કેલી પડી શકે છે.
કુડાસણ સબ સ્ટેશનમાંથી સપ્લાય મળતો હોય તેવા તમામ વિસ્તારોમાં શુક્રવારે સવારે 8થી બપોરે 4 સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ન્યૂ ગાંધીનગર તરીકે ઓળખાતા વિસ્તારોમાં સતત રહેણાક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ વધી રહી છે. અગાઉ માત્ર ખેતરો અને ખુલ્લી જમીન ધરાવતા આ વિસ્તારોમાં સંખ્યાબંધ હાઈરાઈઝ બની રહ્યા છે. કોબાથી લઈને ધોળાકુવા અને કુડાસણથી વાવોલ-કોલવડા સહિતના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
UGVCLના કુડાસણ સબ સ્ટેશનને કાલે 15 ડિસેમ્બરે થોડા સમય માટે શટડાઉન કરવામાં આવશે, જેના કારણે સવારે 8થી બપોરના ચાર સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપની સાથે સંકળાયેલા વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ન્યૂ ગાંધીનગરના વિસ્તારોમાં વીજ પુરવઠાની માગ સતત વધી રહી છે. UGVCL દ્વારા નવી લાઈનો નાખવાની કામગીરી નિયમિત રીતે હાથ ધરાય છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં બે-ચાર કલાક માટે વીજ પુરવઠો ખોરવાય છે.
સતત નવી લાઈનો નાખવાના કારણે કુડાસણ સબ સ્ટેશન પર ભારણ વધી રહ્યું છે. કુડાસણ સબ સ્ટેશનમાં રેગ્યુલર મેન્ટેનન્સ અને વીજ ભારણની ક્ષમતા વધારવા માટે 15 ડિસેમ્બરે કામગીરી હાથ ધરાશે. આ કામગીરીના પગલે કુડાસણ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો મળતો હોય તેવા તમામ વિસ્તારોમાં સવારે 8થી 4 સુધી વીજ પુરવઠો બંધ રહેશે.