પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે દેશના છેવાડાના નાગરિક સુધી જનજાગૃતિ ફેલાવવા તેમજ યોજનાઓનો લાભ મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવાના ઉમદા હેતુ અને ૨૦૪૭ માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે રાષ્ટ્રવ્યાપી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઇ રહી છે ત્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ આજરોજ સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિતભાઈ શાહે ચાંગોદર ખાતે ઠાકોર સમાજના અગ્રણી, જનસંઘના કાર્યકર, અમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સ્વ. શ્રી શંભૂજી ઠાકોરના નિવાસસ્થાને પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી ખબરઅંતર પૂછ્યા હતાં.
ચાંગોદર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ ૨૦૪૭માં આઝાદીના શતાબ્દી વર્ષ સુધીમાં દેશને તમામ ક્ષેત્રે સંપૂર્ણ વિકસિત બનાવવાના સંકલ્પની યાત્રા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા દસ વર્ષમાં તમામ ક્ષેત્રે પરિવર્તન કર્યા છે. સુરક્ષા, આર્થિક, આરોગ્ય, વિજ્ઞાન, ઔદ્યોગિક સહિત વિવિધ ક્ષેત્રે કેન્દ્રની ભાજપા સરકારે ઐતિહાસિક ઢબે કાર્ય કર્યું છે. અગાઉ દેશમાં અવારનવાર બોમ્બ ધડાકા કરનાર આતંકવાદી પ્રવૃત્તિ કરનારાઓને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી જડબાતોડ પાઠ ભણાવ્યો છે, શ્રી સરદાર પટેલ, શ્રી શ્યામાપ્રસાદ મુખરજી સહિત કરોડો દેશવાસીઓના કાશ્મીરમાથી કલમ ૩૭૦ હટાવવાના સ્વપ્નને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂર્ણ કર્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટે ૫૫૦ વર્ષના સંઘર્ષ બાદ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સમયમાં ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. તેમના જ નેતૃત્વ હેઠળ આજે ચંદ્રમા પર શિવશક્તિ પોઇન્ટ પર તિરંગો લહેરાયો છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૭૫ વર્ષમાં આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અર્થતંત્રમાં વિવિધ આયામોમાં ભારત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ થયો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને સૌથી વધુ માર્કસ રૂ.૫ લાખ સુધીની મફત સારવાર, મફત અનાજ, મફત ગેસ કનેક્શન, શૌચાલય નિર્માણ, નલ સે જલ, આવાસ યોજના સહિતના કાર્યોથી દેશના ૬૦ કરોડથી વધુ નાગરિકોનું જીવનસ્તર ઊંચું લાવવા માટે મળે છે. આ ખુબ જ મોટું અને મહત્વપૂર્ણ કાર્ય છે જે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા ૧૦ વર્ષમાં કર્યું છે. રોડ-રસ્તા તેમજ વીજળી ક્ષેત્રે પણ ઐતિહાસિક ઢબે કામ થયું છે અને વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે. જે પ્રકારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં આયોનબદ્ધ રીતે ડિજિટલ સર્ટિફિકેટ સાથે કરોડો નાગરિકોનું કોરોના મહામારીમાં વિનામૂલ્યે રસીકરણ થયું તેવું વિશ્વમાં ક્યાંય નથી થયું.
શ્રી શાહે કહ્યું કે, આઝાદ અને ઉત્કૃષ્ટ ભારતના નિર્માણની ખેવના સાથે ભગત સિંઘ, ખુદીરામ બોઝ સહિત અનેક યુવાનો હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા, રાણી લક્ષ્મીબાઈ સહિત અનેક સ્વ્યાતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી તેઓના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ભારતને દરેક ક્ષેત્રે અવ્વલ બનાવવાનો સમય હવે આવી ગયો છે. યુવાનોને ટાંકીને શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશને આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્યારે દેશ તમામ ક્ષેત્રે પ્રથમ નંબરે હોય તેવા ભારતની રચના એટલે વિકસિત ભારતની રચના. આજનો કાર્યક્રમ વિકસિત ભારતની રચનાનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ છે. દેશના કોઈ ઘરમાં ધુમાડો ન હોય, શૌચાલય હોય, વિનામૂલ્યે સારવાર, મફત અનાજ, સસ્તી દવા મળે અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેવા ભારતની રચના એટલે વિકસિત ભારતની રચના. દેશના યુવાન દીકરા દીકરીઓએ જ ભારતને મહાન બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનું છે.
શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આગ્રહ છે કે, દેશમાં કોઇ પણ ગરીબ પરિવાર એવો ન બચે કે જેને ૫ લાખ સુધીની મફત સારવાર ન મળતી હોય, ગેસની સુવિધા ન હોય, જેના ઘરે શૌચાલય ન હોય, નલ સે જલની સુવિધા ન હોય. સારું જીવન જીવવા માટેની મૂળભૂત સુવિધાઓ નું સંપૂર્ણ કવરેજ કરતી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને પ્રાપ્ત થવો જોઈએ. ૨ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું લક્ષ્ય છે. નારી જેટલી સશકત બનશે તેટલો જ પરિવાર પણ આગળ વધશે. કેન્દ્રની ભાજપા સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ એ મોદીની ગેરંટી છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે કેન્દ્રમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની અને રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર છે. આજે ગુજરાતની જનતાને ડબલ એન્જિનની સરકારનો ફાયદો મળી રહ્યો છે. ૧૯૮૨ ના ગુજરાત અને આજના ગુજરાતમાં મોટો તફાવત છે. ૨૦૦૨ પછી રાજ્યમાં હુલ્લડ અને રમખાણોનો અંત આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન થી જ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શાંતિ, વિકાસ, સમૃદ્ધિ અને ગરીબને બેઠા થવા મદદરૂપ થવાની પરંપરા ઉભી કરી છે, આ યાત્રા તેનો જ એક ભાગ છે.
આ તકે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગિરિ ગોસ્વામી, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનાબેન વાઘેલા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, કલેકટરશ્રી, સબંધિત અધિકારીગણ અને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.