ગાંધીનગરમાં ઈકો ગાડીનાં સાઇલેન્સર ચોરતી ગેંગ એક પછી એક ગુનાને અંજામ આપી કહેર વર્તાવી રહી છે. સેક્ટર – 29 માં વેપારીનાં ઘર નજીક પાર્ક કરેલી ઈકો ગાડીમાંથી નવું સાઇલેન્સર ચોરીને પાછું જુનું સાઇલેન્સર ફીટ પણ કરતાં ગયાની વધુ એક ફરિયાદ સેક્ટર – 21 પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
ગાંધીનગરમાં વાહન ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. એમાં ઈકો કારના સાઇલેન્સર ચોરતી ગેંગ પણ એક પછી એક ગુનાને અંજામ આપી તરખાટ મચાવી રહી છે. ગેંગ ઈકો ગાડીનું નવું સાઈલેન્સર કાઢી લઈ વળી પાછું જુનું સાઇલેન્સર પણ ફીટ કરતી જાય છે. ત્યારે સાઇલેન્સર ચોરતી ગેંગની મોડસ ઓપરેન્ડી પણ આશ્ચર્યજનક છે. આવી જ રીતે સેક્ટર – 29 માં ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
ગાંધીનગરના સેક્ટર – 29 અમનપાર્ક સોસાયટીમાં રહેતો સમીર મહમંદરફિકભાઈ પટેલ ઈકો ગાડીમાં શહેરની વિવિધ દુકાનો ઉપર પાણી તથા સોડાની બોટલોનો હોલસેલ ભાવે વેચાણ કરવાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 15 મી ડિસેમ્બરની રાતે ધંધા ઉપરથી ઘરે આવીને સમીરે ઈકો ગાડી ઘર પાસેની ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી.
બાદમાં ગઈકાલે સવારે સમીર ધંધાર્થે જવા માટે નિકળ્યો હતો. એ વખતે ગાડી ચાલુ કરતાં જ ઘોંઘાટ ભર્યો અવાજ આવવા લાગ્યો હતો. એટલે સમીરને ગાડીમાં કોઈ ખરાબી હોવાનું લાગતાં તે સેકટર – 30 નાં ગેરેજમાં ગાડી લઈ ગયો હતો. જ્યાં મિકેનિકે ઈકો ગાડી ચેક કરતાં ગાડીનુ ઓરિંજનલ સાઈલન્સરની જગ્યાએ ડુપ્લીકેટ સાઈલન્સર લગાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
આથી સમીરે પોતાના ઘરની આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ સાઇલન્સરની કોઈ ભાળ મળી ન હતી. આખરે રાત્રિ દરમિયાન તસ્કરો ઈકો ગાડીમાંથી ઓરિજિનાલિટી સાઇલન્સર કાઢી ડુપ્લીકેટ સાઇલન્સર ફીટ કરી ચોરી જતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.