મુરાદાબાદના એક ટ્રેઇની ઇન્સ્પેક્ટરને એક યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. યુવતીએ આ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે કોર્ટના આદેશના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.મુરાદાબાદના એક ટ્રેઇની ઇન્સ્પેક્ટરને ઇન્સ્ટાગ્રામ પર એક છોકરી સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે.
યુવતી હવે તેના પર લગ્ન માટે દબાણ કરી રહી છે. ઉપરાંત લગ્ન નહી કરવા માટે તેણે 50 લાખ રૂપિયાની માંગ પણ કરી છે. ટ્રેની ઈન્સ્પેક્ટરના પિતા આ મામલે ફરિયાદ કરવા પોલીસ અધિકારી પાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમને રસ્તા પર રોકીને ધમકાવ્યા હતા. જોકે હાલ કોર્ટના આદેશ પર બરેલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મુરાદાબાદના ડુડેંલાનો રહેવાસી 27 વર્ષીય શુભમ સાગર ઉત્તર પ્રદેશ પોલીસમાં ઈન્સ્પેક્ટર તરીકેની તાલીમ લઈ રહ્યો છે. ટ્રેઇની ઇન્સ્પેક્ટરના પિતા રાજકુમાર સિંહે કોર્ટના આદેશ પર બરેલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે તેઓનો પુત્ર શુભમ સાગર મુરાદાબાદની એક યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર વાત કરવા લાગ્યો હતો. બાદમાં બંને મિત્રો બની ગયા અને પછી બંને મળવા લાગ્યા હતો.
પિતાનો આરોપ છે કે પુત્રએ છોકરીની વાતોમાં આવીને તેને મોંઘી ભેટ પણ આપી હતી. આ પછી જ્યારે છોકરીનું સત્ય સામે આવ્યું તો પુત્રને હનીટ્રેપમાં ફસાયા હોવાનો ડર લાગવા લાગ્યો હતો. આથી તેણે યુવતીથી અંતર જાળવવાનું શરૂ કર્યું.
ઈન્સ્પેક્ટરના પિતાએ આરોપ લગાવ્યો છે કે મુરાદાબાદની યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના પુત્ર સાથે મિત્રતા કરીને તેને ફસાવ્યો હતો. હવે તે પૈસાની માંગણી કરી રહી છે. રુપિયા 50 લાખ આપવાની ના પાડતા હવે યુવતી તેમના પુત્ર પર પર લગ્ન માટે દબાણ કરી રહી છે. ઉપરાંત જો પૈસા નહીં ચૂકવે તો તેને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપી રહી છે. આ કાવતરામાં યુવતીની સાથે તેની માતા પણ સામેલ છે.
મુરાદાબાદ પોલીસે ટ્રેઇની ઇન્સ્પેક્ટરના પિતાની ફરિયાદને ગંભીરતાથી લીધી ન હતી. આ અંગે બરેલી ઝોનના ADG ને ફરિયાદ કરવામાં આવી હતી. આરોપ છે કે ફરિયાદી જ્યારે બરેલી પોલીસ સ્ટેશન વિસ્તારના PWD ઓફિસ પાસે ADG ઓફિસ જઈ રહ્યા હતા, ત્યારે બાઇક પર સવાર બે લોકોએ તેમને રોકીને ધમકાવ્યા હતા. ઉપરાંત આ લોકોએ છોકરીની માતા સાથે વાત પણ કરાવી હતી. જો તે 50 લાખ રૂપિયા નહીં આપે તો તેના પુત્રને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી.
શનિવારના રોજ કોર્ટના આદેશ પર મુરાદાબાદની રહેવાસી યુવતી અને તેની માતા સહિત મોહિત નામના યુવક વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર દિનેશ શર્માએ જણાવ્યું કે, તપાસ બાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.