વિડિયો કોલમાં મહિલાઓ દ્વારા નિ:વસ્ત્ર થઈ રંગીન મિજાજી યુવકોને ફસાવી બ્લેક મેઇલિંગ કરી પૈસા પડાવવાના ગુના આચરતી અનેક ટોળકીઓનો અનેક લોકો ભોગ બન્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં આબરૂ જવાની બીકે ભોગ બનનારાઓ ફરિયાદ પણ નોંધાવતા નથી. આ પ્રકારે બ્લેકમેઈલિંગ કરતી ગેંગ દ્વારા 150 ફૂટ રીંગ રોડ પર માધવ વાટિકાના યુવાન પાસેથી રૂા.80 હજાર પડાવવામાં આવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા જે તેણે સ્વીકાર્યા બાદ તમારે મારા ફ્રેન્ડ બનવું છે તેવો મેસેજ આવ્યો હતો. જેથી તેણે હા પાડી હતી. તે સાથે જ તેની પાસેથી વોટ્સએપ નંબર માંગ્યો હતો. જે તેણે આપી દીધો હતો. થોડા સમય બાદ તેના વોટ્સએપ નંબર ઉપર પૂનમ શર્મા નામનું એકાઉન્ટ ધરાવતી મહિલાએ મેસેજ કર્યો બાદ સીધો વીડિયો કોલ કર્યો હતો.
જે તેણે રિસીવ કરતાં જ સામાવાળી મહિલાએ પોતાના કપડા કાઢી નાખ્યા હતા. તેને પણ કપડા કાઢી નાખવાનું કહેતા તેણે તેમ કર્યું હતું. થોડીવાર સુધી સામાવાળી મહિલાએ તેની સાથે વાતચીત કરી હતી. બાદમાં અચાનક મમ્મી આવી ગયાનું કહી ફોન કાપી નાખ્યો હતો.
થોડીવાર બાદ તેના મોબાઈલમાં સામાવાળી મહિલાએ એક વીડિયો મોકલ્યો હતો. જેમાં તે અને સામાવાળી મહિલા નિ:વસ્ત્ર અવસ્થામાં હતા. તેનો વીડિયો તેની જાણ બહાર ઉતારી લીધા બાદ સામાવાળી મહિલાએ બ્લેકમેઈલિંગ શરૂ કરી કહ્યું કે આ વીડિયો વાયરલ ન કરવો હોય અને ડીલિટ કરાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરી હતી.
150 ફૂટ રિંગ રોડ પર માધવ વાટીકા શેરી નં. 3માં માધવ મિલન એપાર્ટમેન્ટમાં રહેતો દર્શિત મનસુખ કાલરીયા (ઉ.વ.29) છાપરા ગામે ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેક માસ પહેલા તેના ફેસબૂક એકાઉન્ટ પર પૂનમ શર્માના મને રૂા.5 હજાર આપવા પડશે, નહીંતર આ વીડિયો તારા સગા-સંબંધીઓને મોકલી આપીશ તેવી ધમકી દેતા જેથી ડરી જતાં તેણે રૂા.2 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તત્કાલ સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી.
બીજા દિવસે તેના મોબાઈલમાં એક શખ્સનો ફોન આવ્યો હતો. જેણે પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઈમ પોલીસ તરીકે આપી કહ્યું કે પૂનમ શર્માએ તમારો વીડિયો વાયરલ કર્યો છે, હવે તે વીડિયો ડિલીટ કરવો હોય તો રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. આ વાત સાંભળી ગભરાઇ જતા તેણે સામાવાળા શખ્સે જણાવેલા જુદા-જુદા એકાઉન્ટમાં કટકે-કટકે રૂા.78 હજાર ટ્રાન્સફર કર્યા હતાં.
ત્યારબાદ તેને જાણ થઈ હતી કે દિલ્હી સાયબર ક્રાઈમના નામે ગઠીયાઓએ તેની પાસેથી રૂપિયા પડાવાયા છે. જેથી ફરીથી સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર અલગથી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.