ઇન્ડસ્ટ્રી શરૂ કરીને 500 કરોડનો ધંધો કરતાં લોકોને દાયકા થઇ જતા હોય છે ત્યારે કબૂતરબાજીના કારીગરો બોબી ઉર્ફે ભરત પટેલ અને કે.પી.એ ટૂંકા ગાળામાં જ 500થી વધુ લોકોને અમેરિકામાં ઘુસાડીને 500 કરોડનો ધંધો કરી લીધો હતો.
બોબી બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાયેલા કે.પી.ની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. તેઓ ગ્રાહક દીઠ એક કરોડની વસૂલાત કરતા હતા. જેમાં પેસેન્જરને મેક્સિકો બોર્ડર પાસ કરાવી આપતા બે એજન્ટને 15 લાખ ચૂકવાતા હતા. જ્યારે અમેરિકાની બોર્ડરમાં ગેરકાયદેસર રીતે ઘુસેલા પેસેન્જરની ધરપકડ થાય પછી તેને જામીન પર મુક્ત કરાવી અન્ય કાનૂની પ્રક્રિયા કરી આપતા એજન્ટને 5થી 10 લાખ ચૂકવવામાં આવતા હતા. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ કે.પી. સાથે બોગસ પાસપોર્ટ સહિતની કામગીરી કરતા સાઠે અને ઝાકીર નામના બે એજન્ટની તપાસ માટે મુંબઇ પહોંચી છે. જોકે તપાસ દરમિયાન સાઠેનું મૃત્યું થયું હોવાનું જાણી શકાયું છે.
ગુજરાતીઓની વિદેશમાં સેટલ થવાની ઘેલછા દુનિયાભરમાં જાણીતી છે. જેને લાભ લઇને લે ભાગુ એજન્ટો તેમની પાસેથી લાખો (હવે કરોડ) રૂપિયા વસૂલીને તેમને જીવના જોખમે અમેરિકામાં પ્રવેશ કરાવતા હોય છે. મેક્સિકો બોર્ડર ક્રોસ કરતાં ડિંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યો ઠંડીમાં ઠુંઠવાઈને મોતને ભેટ્યા હતા. છત્રાલનો એક યુવક પણ બોર્ડર પર મોતને ભેટ્યો હતો. આ ઉપરાંત કલોલના એક દંપતીને તુર્કીમાં ગોંધી રાખીને એજન્ટો દ્વારા પૈસા માટે તેમને બ્લેડના ચીરા મારતા વીડિયો વાયરલ થયા હતા. આ ઘટનાઓ બાદ પોલીસ એલર્ટ થઇ અને તેની તપાસ શરૂ કરવામાં આવી. જેમાં ઉત્તર ગુજરાતના ઘણા એજન્ટોના નામ સામે આવ્યા તપાસમાં મોટા ભાગના એજન્ટો બોબી અને કે.પી. મારફતે ગ્રાહકોને અમેરિકા મોકલતા હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પહેલાં બોબી ઉર્ફે ભરત પટેલને ઝડપી લીધો. તેના ઘરેથી સંખ્યાબંધ પાસપોર્ટ, સ્ટેમ્પ, ખોટા ડોક્યુમેન્ટ મળી આવ્યા.
ત્યારબાદ કે.પી. ઉર્ફે કેતન ઉર્ફે કેયુર ઉર્ફે મનિષ બાબુલાલ પટેલ (હાલ રહે. ઘાસવાળા ટાવર, ગ્રાન્ટ રોડ, મુંબઇ સેન્ટ્રલ)ની તલાશ આદરી હતી. પોલીસને હાથતાળી આપવા કે.પી. સતત ભાગતો રહેતો હતો. તેમ છતાં તે જ્યારે વિસનગરના કાંસમાં ભાણીના લગ્નમાં આવ્યો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ તેને ઉઠાવી લીધો હતો. તેની પૂછપરછમાં એવી ચોંકવનારી વિગતો સામે આવી છે કે તેણે અઢીસોથી વધુ લોકોને અમેરિકામાં ઘુસાડ્યા છે.
કે.પી. જે તે ગ્રાહકની પ્રોફાઇલ ચેક કરીને તેને પહેલાં આફ્રિકા મોકલતો, ત્યાંથી યુરોપના દેશમાં ફરવા મોકલી ત્યાંથી મેક્સિકો મોકલતો હતો. હવે મેક્સિકોમાં તેના બે એજન્ટ ગ્રાહકોને ગમે તે રીતે બોર્ડર ક્રોસ કરાવી અમેરિકાની બોર્ડર સુધી પહોંચાડી દેતા હતા. અમેરિકાની બોર્ડર ખાતે બોબીના બે એજન્ટ વકીલ સહિતની લીગલ ટીમ સાથે તહેનાત રહેતા અને ગેરકાયદેસર રીતે ઘુસેલા ગ્રાહકની ધરપકડ થાય કે તરજ તેને જામીન આપી છોડાવી દેવાતા અને રેફ્યુઝી તરીકે તેને વસવાટ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. ગ્રાહક પાસેથી એક કરોડ વસૂલાત થતી હતી. જેમાંથી મેક્સિકોના એજન્ટોને 15 લાખ અને અમેરિકાના એજન્ટોને 10 લાખ ચુકવાતા હતા.
કબૂતરબાજીનો માસ્ટર માઇન્ડ કે.પી. કાંસ ગામમાં પોતાની ભાણીના લગ્નમાં આવ્યો હતો. ત્યારે જ પોલીસ માંડવે પહોંચી ગઇ હતી. પોલીસ કે.પી.ને કોર્ડન કરી લીધા બાદ સિનિયર ઓફિસરનો જાણ કરી કે કે.પી. હાથવગો જ છે. ઉપાડી લઇએ ત્યારે સિનિયર ઓફિસરે આદેશ આપ્યો કે માનવતાના ધોરણે તેને મામેરું ભરી લેવા દો અને શાંતિથી તેને સાઇડમાં લઇ જઇને ઉઠાવજો જેથી લગ્નના કાર્યક્રમાં કોઇ અવ્યવસ્થા ઊભી થાય નહીં. કે.પી.એ મામેરું ભરીને વ્યવહાર પૂરો કર્યો ત્યારબાદ પોલીસ તેને સાઇડમાં લઇ ગઇ અને ઓળખાણ આપીને ઉપાડી લીધો.
ડિંગુચાનો પરિવાર અને છત્રાલના યુવકના મોત બાદ અમેરિકા અને ભારત સરકારે આ કબૂતરબાજીને માનવ તસ્કરી ગણાવી તેની ગંભીરતા પૂર્વક તપાસ શરૂ કરી. જેમાં પહેલા બોબી પટેલ અને ત્યારબાદ કે.પી. પટેલ ઝડપાયા. બોબી પાસેથી સંખ્યાબંધ પાસપોર્ટ અને વાંધાજનક દસ્તાવેજ મળ્યા હતા. તેવી જ રીતે કે.પી.ની તપાસમાં પણ અમદાવાદ, મહેસાણા અને ઊંઝાના ઘણા એજન્ટો કે.પી.ના સંપર્કમાં હોવાનું અને તેને ગેરકાયદેસર રીતે પેસેન્જરને અમેરિકા પહોંચાડવાનું કામ આપતા હોવાનું સામે આવ્યું છે.