ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી પરત ફરેલા 50થી વધુ યાત્રાળુઓ પૈકી ગઈકાલે બે મહિલાઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતાં આરોગ્ય તંત્ર સફાળું દોડતું થઇ ગયું હતું. જેનાં પગલે ગઈકાલથી યાત્રાળુઓનું ટ્રેકિંગ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું હતું. જે અન્વયે સેકટર – 3 ખાતે રહેતા 57 વર્ષીય વૃદ્ધ તેમજ કલોલની 70 વર્ષીય વૃદ્ધા પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા ગાંધીનગરમાં કોરોનાનો આંકડો ચાર થઈ ગયો છે.
દેશભરમાં કોરોનાનાં કેસો વધવાની સાથે રાજ્યના પાટનગર
ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ મળી આવતાં
આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગઈકાલે સેકટર
6 માં દક્ષિણ ભારતની યાત્રાથી પરત ફરેલ 57 અને 59
વર્ષની બે બહેનો કફ, શરદી તથા ઉધરસ સહિતના લક્ષણો
પછી કોરોના પોજીટીવ હોવાની પુષ્ટિ થઈ હતી. જેનાં પગલે
આરોગ્ય તંત્રએ બન્ને પોઝિટિવ બહેનોને હોમ આઈસોલેટ
કરી સંપર્કમાં આવેલા પરિવારના 8 સભ્યોના પણ ટેસ્ટ કરી
ક્વોરેન્ટાઇન કરી દેવાયા હતા.
ભારતના કેરળ, કર્ણાટક સહિતના રાજ્યોમાં નવા JN1 વેરિએન્ટ સાથે કોરોનાએ ફરી દેખા દીધી છે. એવામાં દક્ષિણ ભારતની યાત્રાથી ગાંધીનગર પરત ફરેલ બે બહેનો પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા પ્રવાસના આયોજકો પાસેથી યાત્રાળુઓનો ડેટા મંગાવી લેવામાં આવ્યો હતો. કહેવાઈ રહ્યુ છે કે 50થી વધુ યાત્રાળુઓ ગ્રુપમાં દક્ષિણ ભારતની ધાર્મિક યાત્રા કરીને પરત ફર્યા છે.
જે પૈકી કોર્પોરેશન હદ વિસ્તારના 30 યાત્રાળુઓનું ટ્રેકિંગ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપમાં યાત્રાથી પરત આવેલા સેકટર – 3 નાં 57 વર્ષીય વૃદ્ધ પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ વૃદ્ધને પણ કફ, શરદી તથા ઉધરસ સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. અને કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે રિપૉર્ટમાં વૃદ્ધ પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેનાં પગલે તેમને હોમ આઈસોલેશમાં રાખી સારવાર આપવામાં આવી રહી છે. નવાઈની વાત છે કે વૃદ્ધએ કોરોનાના ત્રણેય ડોઝ લીધા હોવા છતાં કોરોનાનો ચેપ લાગ્યો છે.
ઉપરાંત તેમની સાથે યાત્રાથી પરત ફરેલા પરિવારના છ જેટલા સભ્યોને ક્વોરેન્ટાઇન રહેવાની સૂચના આપી શરદી કફ સહિતના લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરવા પણ તાકીદ કરાઈ છે. જો કે હાલમાં તેઓના રિપૉર્ટ નેગેટિવ આવ્યા છે. એજ રીતે દક્ષિણ ભારતની યાત્રાથી પરત ફરેલ કલોલની 70 વર્ષીય વૃદ્ધા પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપૉર્ટ આવ્યો છે. જેઓને પણ હોમ આઈસોલેશમાં રાખી પરિવારના છ સભ્યોને ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે. આ બંને દર્દીના પણ સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપૉર્ટ આવ્યા પછી કોરોનાના નવા નવા JN1 વેરિએન્ટ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઓક્ટોબરની સરખામણીએ ડિસેમ્બર મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યામાં 13 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદમાં સાત કેસ નોંધાયા છે. શહેરના જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા છે. આ સાત લોકોમાં 4 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તમામના સેમ્પલ ઝિનોમ સિકવસિંગ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે આ સાત દર્દીમાંથી 5 દર્દી વિદેશ પ્રવાસથી પરત ફર્યા હતા, જ્યારે બે દર્દી અમદાવાદના જ છે. આ પાંચ દર્દીઓ ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુકેથી પરત ફર્યા હતા. 15 વર્ષના કિશોરથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધીના લોકો પોઝિટિવ આવ્યા છે. સિંગાપોરથી પરત આવ્યા બાદ 15 વર્ષનો કિશોર પોઝિટિવ આવ્યો છે. જોકે, એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી.