ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની કારને ચીલોડા દહેગામ હાઇવે ઉપર હાઈવા ટ્રકના ચાલકે સામેથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એએસઆઇનું ગંભીર ઈજાઓ થવાથી કરૂણ મોત નિપજ્તા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરનું ગઈકાલે રાતે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે. પોલીસ પરિવારના સભ્યનું માર્ગ અકસ્માતમાં મોત થયાની જાણ થતાં પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગાંધીનગર પોલીસ લાઇન બ્લોક નંબર સી/4 મકાન નંબર – 1919 માં રહેતા મૂળ મોટી આદરજ ગામના વતની ફુલચંદ ચુનીલાલ નાઈ પોલીસ હેડ કવાર્ટર ખાતે એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. જેઓનો નોકરીનો પોઈન્ટ સ્ટેમ્પ ડયુટી કચેરી ખાતે ગાર્ડ તરીકેનો હતો.
જેમના પરિવારોમાં પત્ની તેમજ મોટો પુત્ર પાર્થ અને નાનો પુત્ર સૌરવ ઘરે હાજર હતા. એ વખતે એ.એસ.આઈ ફુલચંદભાઈ નાયી પોતાની નોકરી પૂર્ણ કરીને ઘરે પરત ફર્યા હતા. રાતના નવેક વાગે મિત્રનો ફોન આવતા તેઓ ઘરેથી ફોર વ્હીલ ગાડી લઈને ઘરેથી નિકળ્યા હતા. આ દરમિયાન આશરે રાત્રીના બાર વાગ્યાના અરસામાં ઘરે તેમની દીકરી કિંજલબેન વિપુલભાઈ પારેખે ફોન કરીને કહેલ કે, ચિલોડાથી દહેગામ જતા રોડ ઉપર કેશવ હોટલ સામે અકસ્માત થયો હોવાથી ફૂલચંદભાઈને 108 એમ્બ્યુલન્સ થકી ગાંધીનગર સિવિલ આવ્યા છીએ.
આ સાંભળીને સૌરવ અને પાર્થ એક્ટિવા ઉપર સિવિલ પહોંચી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફૂલચંદભાઈને મૃત જાહેર કરેલા હતા. જેની જાણ થતાં અન્ય સગા સંબંધીઓ પણ સિવિલ દોડી ગયા હતા. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચિલોડાથી દહેગામ જતા રોડ ઉપર કેશવ હોટલ સામે હાઈવા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને કારને સામેથી ટક્કર મારી હતી. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી ફૂલચંદભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી હાઈવા મૂકીને ચાલક નાસી ગયો છે. બનાવની જાણ થતાં ચીલોડા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને ડીઆઈસીટી ખાતે આઈટી એન્જિનીયર તરીકે નોકરી કરતા મૃતકના પુત્ર સૌરવની ફરીયાદના આધારે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે.