ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનમાં છૂટ આપવામાં આવી છે. આ મુદ્દે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે, ત્યારે રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું પણ આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દારૂબંધી નીતિ દંભી છે. છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો.તેમણે કહ્યું કે, ગિફ્ટ સિટીને બાદ કરતાં હાલ જે નીતિ અમલમાં છે તે દંભી નીતિ છે.
આજની નીતિ નિષ્ફળ છે અને દારૂબંધીની નીતિ હટાવીને સાયન્ટીફિક નવી સારી નીતિ, જેથી કરીને ગુજરાતનું યુવાધન બરાબર ન થાય. આ નીતિના લીધે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે. ડ્રગ્સના રવાડે ચડેલો યુવાન આખી જિંદગી બરબાદ કરી નાંખે છે. કદાચ દારૂના રવાડે ચઢ્યો હશે તો પાછો વાળી શકાય પણ ડ્રગ્સના રવાડે ચઢેલો યુવાધન ખતમ થઇ જાય.
હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી. કોઇ પીવે એ મને ગમતું નથી. આ નકામું છે તો પણ ચાલુ જ છે. તો સરકાર એવી રીતે જવાબદારી અદા કરે જેથી ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય. ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ન હોવી જોઇએ. પહેલ કરી છે તો આખા ગુજરાતમાં છૂટ આપો.
તેમણે કહ્યું કે, દારૂબંધીની નીતિ દંભી છે. મહાત્મા મંદિરમાં પણ છૂટ આપો. ધોલેરા અને ધોરડોમાં પણ દારૂની છૂટ આપો. માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ના આપો. દારૂની છૂટ આપશો તો સારો દારૂ પીવાશે. સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી. છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં સરકાર દારૂની છૂટ આપશે. દારૂબંધી દૂર કરવાનો પ્રશ્ન રાજકીય નથી. યુવાધન બરબાદ ન થાય તે માટે પગલા જરૂરી છે. દારૂની છૂટથી વેપાર વધશે તે નીતિ ખોટી છે.
નોંધનીય છે કે, રાજ્યમાં હાલ એક મુદ્દો બધાના મોં પર ચર્ચાતો દેખાશે કે, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનમાં છૂટ આપવામાં આવી છે. આ મુદ્દે આજે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. જેમાં પક્ષ અને વિપક્ષો આમને સામને આવી ગયા છે. તો આ મુદ્દે રાધનપુરથી ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ અનેક નોંધનીય નિવેદન આપ્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ‘ગિફ્ટ સિટીમાં કોઇપણ આવીને છાટકા બનીને ફરી નહીં શકે. અહીં કોઇપણ દારૂ પીવા અહીં આવી શકશે એવું નથી.’ આ સાથે ઋષિ કેશ પટેલે પણ સ્પષ્ટ વાત કરતા જણાવ્યુ છે કે,’ ગુજરાતમાં પ્રવાસીઓ માટે કે ટુરિઝમ સ્થળો પર દારૂબંધીમાં છૂટનો કોઇ વિચાર નથી.’