દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં AAPના અનેક નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ કે, કથિત દારૂ કૌભાંડ બાદ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા વધુ એક ગંભીર કેસમાં CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે.આ મામલો સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદી સાથે સંબંધિત છે જેમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દિલ્હીની સરકારી હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓમાં ગેરરીતિ મળી આવતા ઉપરાજ્યપાલે CBI તપાસના આદેશ આપ્યા છે. એવો આરોપ છે કે, આ હોસ્પિટલો દવાઓ ખરીદવામાં બેદરકારી દાખવતા હતા અને તેઓ સરકારી અને ખાનગી લેબમાં ટેસ્ટિંગમાં નિષ્ફળ હોવાનું જણાયું હતું.
દિલ્હીના LC વીકે સક્સેનાએ દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં આ દવાઓને લઈને તકેદારી વિભાગના રિપોર્ટ પર CBI તપાસના આદેશ આપ્યા છે. આ સાથે મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખીને તપાસ કરવા જણાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે આ દવાઓનું સરકારી અને ખાનગી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે તે નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતી નહોતી, જેના પછી પરીક્ષણનો આદેશ આપવામાં આવ્યો છે.
લોકસભાની ચૂંટણી પહેલા કેજરીવાલ સરકાર ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. પહેલા દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં પણ ઘણા નેતાઓની તપાસ ચાલી રહી છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો છે. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 19 જાન્યુઆરી અને સંજય સિંહની 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. CM કેજરીવાલને પણ ત્રીજી વખત સમન્સ મોકલવામાં આવ્યા છે. જેમાં તેને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા પણ બે વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા જેમાં CM કેજરીવાલ હાજર થઈ શક્યા ન હતા.