બહુ જલ્દી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યુ છે. આ ઉદઘાટન પહેલા દેશભરમાં વિવિધ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે. આ ક્રમમાં વડોદરામાં અનોખી અગરબત્તી બનાવાઈ છે.
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે ગુજરાતના વડોદરામાં 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી રહી છે. આ અગરબત્તી મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક દરમિયાન પ્રગટાવવામાં આવશે.
અયોધ્યામાં મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે શહેરમાં વિવિધ માળખાકીય યોજનાઓ ચાલી રહી છે. જેમાં રસ્તાઓ, ઇમારતો અને એરપોર્ટનું બાંધકામ સામેલ છે.
અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થશે. આ મંદિરના ઉદ્ઘાટન પછી આવતા મહિનાઓમાં અહીં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મુસાફરીની સરળતા પૂરી પાડશે.
ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના વિકાસ માટે 175 કરોડ રૂપિયાની વધારાની રકમ ફાળવી છે. આ રકમનો ઉપયોગ અયોધ્યા સંરક્ષણ અને વિકાસ નિધિ, રામોત્સવ અને આંતરરાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાનના વિકાસ અને વિસ્તરણ માટે કરવામાં આવશે.
આ રકમ રાજ્ય વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા 28,760.67 કરોડના પૂરક બજેટનો એક ભાગ છે. આ બજેટમાં 19,046 કરોડના મહેસૂલ ખાતા પરના ખર્ચ અને 9,714 કરોડના મૂડી ખાતા પરના ખર્ચનો સમાવેશ થાય છે.
રામોત્સવ 2023-24 માટે 100 કરોડ રૂપિયા અને અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાનના વિકાસ અને વિસ્તરણ માટે રૂપિયા 25 કરોડ ફાળવવામાં આવ્યા છે.
પૂરક બજેટમાં પાવર સેક્ટરને 10,000 કરોડથી વધુની ફાળવણી સાથે સૌથી મોટો હિસ્સો મળ્યો છે. પાવર સેક્ટર માટે ફાળવણીમાં ખેડૂતોને મફત વીજળી માટે 900 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, શેરડીના ખેડૂતોના બાકી લેણાંની ચુકવણી માટે 400 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.