ગાંધીનગરના શાહપુરમાં આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવના આગમન ટાણે જ ગાય ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી. જો કે માંડ માંડ ગાયને કાર્યક્રમ સ્થળેથી હડસેલી મૂકવામાં આવી હતી. આ ઘટનાથી ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
ગાંધીનગરના શાહપુરમાં વડાપ્રધાનનાં અગ્ર સચિવ પી.કે.મિશ્રાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લઈને સાફ સફાઈ સહિતની ત્રુટિઓ દૂર કરવા સરકારી બાબુઓએ શાહપુરમાં કેટલાંય દિવસથી આંટા ફેરા મારવાનું શરૂ કરી દીધું હતું. આજે સ્થળ શાહપુર આદર્શ પ્રાથમિક ખાતે કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો હતો.
સવારથી તલાટી, સરપંચ સહિતના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વડાપ્રધાન પ્રધાનનાં અગ્ર સચિવ પી કે મિશ્રાનાં સ્વાગતમાં કચાશ રહી નહીં જાય એની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી પણ આવી ચૂક્યા હતા. શાળાના બાળકો ગોઠવાઈ ગયા હતા. એવામાં અચાનક જ રખડતી ગાય કાર્યક્રમ સ્થળના સમિયાણામાં ધસી જતાં દોડધામ મચી ગઈ હતી.
રખડતી ગાય છેક મેડિકલ કેમ્પનાં સ્થળ સુધી દોડી જતાં બે ઘડી બાળકો પણ ગભરાઈ ગયા હતા. બાદમાં માંડ માંડ જેમતેમ કરીને ગાયને કાર્યક્રમ સ્થળથી હડસેલામાં સફળતા મળતાં સૌ કોઈનાં શ્વાસ હેઠાં બેઠા હતા. એવામાં અગ્ર સચિવ આવવાનાં હોવાથી રખડતા ઢોર ફરી ઘુસી આવે નહીં એની તકેદારી રાખવાની ખાસ સૂચનાઓ વહેતી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઢોર પકડ પાર્ટી છાસવારે રખડતા ઢોર પકડતાં હોવાના દાવા કરતી રહે છે. જો કે અગ્ર સચિવના આગમન ટાણે છેક વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ સ્થળે રખડતી ગાય ધસી જતાં ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.