આજે આહીરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. દેશના ખૂણે-ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા દુબઈ સહિત વિશ્વભરમાંથી આહીર બહેનો આજે રાસ રમવા દ્વારકા પધારી છે. એકસાથે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37000 આહીરાણીઓ ગરબો લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જયો છે. ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંગ વ્રજ રાસ જગવિખ્યાત છે. તેમજ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં પુત્રવધૂ અને બાણાસુરની પુત્રી ઉષા રાસ રમ્યાં હતાં અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ. આ ઉપરાંત લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે આ મહારાસ યોજાયો છે.
મહારાસની આગલી રાત્રે જાગરણ કરવામાં આવ્યું હતું. જેમાં માલદે આહીર દ્વારા લખાયેલા શ્રી કૃષ્ણની લીલાઓ પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સભીબેન આહીર દ્વારા વ્રજવાણી રાસની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડારાસ રચવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ આહીર સમાજના કલાકારોએ ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી હતી.
મહારાસને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. આખીલ ભારતીય મહારાસ સંગઠન દ્વારા દ્વારકા જગતમંદિર અદભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે. મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશનીથી જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે. જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા અને રોમાંચકતાનો અનુભવ કરે છે. સમગ્ર દ્વારકામાં હાલ કૃષ્ણમય ભક્તિનો માહોલ જામ્યો છે.
દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા રુક્મિણી મંદિરની બાજુમાં આહીર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાની જમીન પર આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
આહીરાણી મહારાસ માટે આવનાર 37 હજાર બહેનોને રહેવા માટે દ્વારકાની તમામ ધર્મશાળાઓ, દરેક સમાજની સમાજવાડી, હોટલો હાલ બુક કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગ્રાઉન્ડમાં રહેવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે. મહારાસ જોવા આવનાર લોકો માટે પણ રહેવાની સુવિધા ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે. કેટલાક લોકોએ જાતે જ હોટલ બુક કરાવી સ્વયં રહેવાની વ્યવસ્થા અગાઉ કરી લીધી છે.
આ ભવ્ય કાર્યક્રમમાં આહીર સમાજના અગ્રણી કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પુનમ માડમ, જવાહર ચાવડા, ધારાસભ્ય ભગવાન બારડ, ધારાસભ્ય હેંમત આહીર, પ્રવિણ માડમ, વિક્રમ માડમ, ધારાસભ્ય ત્રીકમ છાંગા, વાસણભાઈ આહીર, ઉદ્યોગપતી બાબુભાઈ હુંબલ, પ્રદેશ ભાજપના મંત્રી રધુ હુંબલ, મુળુભાઈ કંડોરીયા, અંબરિષ ડેર, ભરત ડાંગર, ભીખુ વારોતરીયા, તેજાબાપા કાનગઢ, કરશન બોચીયા સહિત મોટી સંખ્યામાં આહીર સમાજ તેમજ અન્ય સમાજના લોકો હાજર.
આહીરાણી મહારાસ યોજવા માટેની શરૂઆત થઈ અને સોશિયલ મીડિયા થકી બહેનો જોડાતાં ગયાં. તેમાં શરૂઆતમાં જામનગર, દ્વારકા અને જૂનાગઠ જિલ્લાની 56 જેટલી બહેનો જોડાઈ હતી. બાદમાં તેમનું ABAMS નામનું એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું હતું. અખીલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દ્વારકા ખાતે 16,108 અહીરાણીઓનો મહારાસ યોજવામાં આવે અને તે માટે ગુજરાતના તમામ જિલ્લાને જોડવાનું કામ શરૂ કર્યું. દરેક જિલ્લાના વ્હોટ્સએપ ગ્રૂપ બનાવી જિલ્લાને જોડવામાં આવ્યા અને દરેક જિલ્લાએ દરેક તાલુકાનું ગ્રૂપ બનાવી ગામડાની આહીરાણી બહેનોને મહારાસમાં જોડવા માટેનું કાર્ય કર્યું હતું. આમ ધીરે-ધીરે કરતા ગુજરાતના 24 જિલ્લાની બહેનોએ મહારાસ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
મહારાસના આયોજન માટે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠન નામનું સંગઠન બનાવવામાં આવ્યું છે. હાલમાં તેની કામગીરી મહારસ પૂરતી છે. સોશિયલ મીડિયા થકી આ સંગઠનમાં વિશ્વભરમાંથી આહીર બહેનો જોડાઈ છે. 8 બહેનોથી શરૂ થયેલા આ સંગઠનમાં ધીરે-ધીરે કરી 37 હજાર બહેનો જોડાઈ ગઈ. આ સંગઠનમાં કોઈ વ્યક્તિને કોઈ હોદ્દો પણ આપવામાં આવ્યો નથી. અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનના અધ્યક્ષસ્થાને ભગવાન શ્રી કૃષ્ણને રાખવામાં આવ્યા છે.