ગાંધીનગરના નવા સચિવાલય ખાતે મહિલા બાળ કલ્યાણ વિભાગના નાયબ સચિવના 24 વર્ષીય પી.એની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી બન્ને પગે – ગળાના ભાગે દોરડું બાંધેલી હાલતમાં મળી આવી છે. જે મામલે લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ત્રિકોણિયા પ્રેમ પ્રકરણમાં બે ઈસમોએ યુવાનનું અપહરણ કરી ગળેટૂંપો આપી હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધાની કેફિયત બહાર આવી છે.
ગાંધીનગરના સેક્ટર – 6માં રહેતો 24 વર્ષીય રોહિત છગનભાઇ સિસારા નવા સચિવાલય ખાતે બ્લોક નંબર – 9, મહિલા બાળ કલ્યાણ વિભાગના નાયબ સચિવના અંગત મદદનીશ તરીકે કોન્ટ્રાક્ટબેઝ પર નોકરી કરતો હતો. રોહિત ગત તા. 20મી ડિસેમ્બરના રોજ એકાએક ગુમ થઈ ગયો હતો.
આ મામલે જૂના સચિવાલયમાં કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી સેવિકા તરીકે નોકરી કરતાં રોહિતની બહેન દક્ષાબેને સેક્ટર – 7 પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ કરી હતી. જેનું ટુ વ્હીલર સેક્ટર – 11 રામકથા મેદાન પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. એવામાં કલોલ-જાસપુર કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેના બંને પગે દોરડું બાંધેલું હતું. તેમજ ગળાના ભાગે પણ ટૂંપો દઈ આપેલ દોરડું બાંધેલું હતું. જેના પગલે સાંતેજ પોલીસે પ્રાથમિક દૃષ્ટિએ જ હત્યા થયાની થિયરી ઉપર તપાસ શરૂ કરી દીધી હતી.
આ ઘટનાની જાણ થતાં દક્ષાબેન સહિતનાં પરિવારજનો કલોલ સિવિલ દોડી ગયાં હતાં અને લાશના જમણા હાથના અંગૂઠ પર R લખેલ હતું. તથા દાંત ઉપર વરખ ચડાવેલ તેમજ બેલ્ટ (પટ્ટો) જોઈને લાશ પોતાના ભાઈ રોહિતની હોવાની દક્ષાબેને ઓળખ કરી હતી. બીજી તરફ બનાવની ગંભીરતા જોઈને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ દીવાનસિંહ વાળાએ સેક્ટર – 11 રામકથા મેદાન આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. જેમાં ટોરેન્ટ પાવરની ઓફિસના સીસીટીવીમાં સાંજના છ વાગ્યાના અરસામાં સફેદ કલરની ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું.
દક્ષાબેને તેમના ભાણા જયદેવે કહેલું કે, થોડા દિવસ પહેલાં રાજ વિક્રમસિંહ ચૌહાણ તથા ધવલ જીવણભાઇ ચમાર કોઇ છોકરી બાબતે અવાર નવાર હેરાનગતી કરતા હોવાની રોહિતે વાત કરી હતી. જેના પગલે એલસીબીએ બન્ને રાજ અને ધવલને ઉઠાવી લઈ ઈન્ટ્રોગેશન શરૂ કરતાં બંને ભાંગી પડ્યા હતા અને આ અંગે કહ્યું હતું કે, રોહિત અને રાજને અમદાવાદની યુવતી સાથે અફેર ચાલતું હતું.
જે બાબતે બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો. રાજ યુવતીને છોડી દેવા ધમકીઓ આપતો હતો. અંતે રોહિતનો કાંટો કાઢી નાખવા રાજ ચૌહાણે ધવલની મદદગારીથી રોહિતનું ગાડીમાં અપહરણ કરી લીધું હતું અને રોહિતને ગળેટૂંપો દઈ લાશ કેનાલમાં નાખી દીધી હતી. હાલમાં રાજ ચૌહાણ અને ધવલ ચમારની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, મૃતક અને આરોપી વિક્રમ ચૌહાણનું એક જ યુવતી સાથે અફેર ચાલતું હતું. જે મુદ્દે બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી. રોહિતને પતાવી દેવાના ઈરાદે વિક્રમે તેને સેક્ટર – 11 ખાતે બોલાવ્યો હતો. બાદમાં ધવલની મદદગારીથી રોહિતનું કારમાં અપહરણ કરી લીધું હતું. જેને કારમાં ગળેટૂંપો આપી હત્યા કરી ખેડા ખાતેની કેનાલમાં લાશ ફેંકી આવ્યા હતા. જોકે સીસીટીવી ફૂટેજમાં કાર દેખાઈ ગઈ હતી. જેના આધારે આગળની તપાસ શરૂ કરીને બંને આરોપીઓએ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દેવાયો છે.
બંને ઈસમો રોહિતનું અપહરણ કરીને ખેડા તરફ ગયા હતા. જ્યાં રોહિતને ગળેટૂંપો આપી લાશને ખેડાની આંતરસુંબા કેનાલમાં ફેંકી દીધી હતી. જે લાશ કલોલ-જાસપુર કેનાલ તરતી તરતી આવી ગઈ હતી. આથી ફાયર બ્રિગેડને બોલાવી લાશ બહાર કાઢવાની કામગીરી ચાલતી હતી. એ વખતે અન્ય એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. એટલે બંને લાશને બહાર કાઢવામાં આવી હતી. જે પૈકી રોહિતની લાશની ઓળખ થઈ ચૂકી છે. જ્યારે અન્ય અજાણ્યા યુવકની લાશની ઓળખ થઈ નથી.