ગાંધીનગરના ઉનાવા – મહુડી રોડ પર ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સાઈકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શ્રમજીવી પુત્ર – પુત્રવધૂને ટિફિન આપવા માટે નીકળેલાં સાયકલ સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના નવા પીંપળજ ગામમાં રહેતા વિજયસિંહ ભીખાજી વાઘેલા ઉનાવા ગામના પાટીયા પાસે જય અંબે નામનો પાન-બીડીનો ગલ્લો ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે. જેમની પત્ની પણ ગલ્લાના વેપારમાં મદદગારી કરે છે. જેમના પિતા ભિખાજી દરરોજ સાંજના સમયે ગલ્લા પર ટિફિન આપવા માટે જતા હતા.
એ રીતે ગઈકાલે વિજયસિંહ અને તેમના પત્ની ગલ્લા પર હતા. ત્યારે નિત્યક્રમ મુજબ ભિખાજી પુત્ર પુત્રવધૂને ટિફિન આપવા માટે ઘરેથી સાયકલ લઈને નીકળ્યા હતા. અને ગલ્લા પાસે પહોંચ્યા હતા. એજ ઘડીને ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને સાયકલને ટક્કર મારી હતી. જેનાં કારણે ભિખાજી ઉછળીને રોડ પર ફેંકાઈ ગયા હતા.
આ દ્રશ્ય જોઈ વિજયસિંહ અને તેમના પત્ની તુરંત ભિખાજી પાસે દોડી ગયા હતા. જો કે ભિખાજીને માથાના ભાગે બન્ને પગે નળાના ભાગે તથા મોઢા ઉ૫૨ ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. અંગે પેથાપુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.