રાજકોટમાં રવિવારે બે જિંદગીઓએ દુનિયામાંથી રજા લીધી, રીક્ષા અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા-પુત્રના મોત

Spread the love

રાજકોટમાં રવિવારે બે જિંદગીઓએ દુનિયામાંથી રજા લીધી હતી. શહેરના કુવાડવા રોડ પર આવેલા ગ્રીનલેન્ડ ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ ઘટના એટલી ગંભીર હતી કે અકસ્માતની આ ઘટનામાં રીક્ષાનો જ ખુરદો બોલી ગયો હતો.

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રવિવારના સાંજે 6:15 વાગ્યાના અરસામાં રીક્ષા અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા-પુત્રના મૃત્યુ નીપજ્યા છે.

44 વર્ષીય પ્રવીણભાઈ ગરસોંધિયા અને 18 વર્ષ પુત્ર મયંક ગરસોંધિયાનું મૃત્યુ થયું છે. જ્યારે કે પતિ-પત્ની સહિત ચાર જેટલા વ્યક્તિઓ અકસ્માતના બનાવવામાં ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

હાઇવે ઉપરથી અકસ્માતના કારણે સર્જાયેલ ટ્રાફિક જામને પોલીસ દ્વારા ક્લિયર કરાવવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા જનકબા પરમાર, મધુબેન જાદવ (ઉવ.40), નારણભાઈ જાદવ (ઉવ.43) તેમજ એક જાણ્યા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી 108 ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે બનાવ બાબતે બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ ઘટના હાઇવે પર સર્જાઇ હતી રવિવારનો દિવસ હતો અને સાંજનો સમય હતો ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો શહેર તરફ આવતા જતા હોય છે. અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અનેક લોકો આ ટ્રાફિક જામમાં ફસાયા હતા. જોકે ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મૃતકોના પરિવારમાં પણ આક્રંદ છવાઈ ગયો હતો. મૃતકનો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *