શહેરના ગોતા ખાતે આવેલી સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોલેજથી છુટીને તેના મિત્રો સાથે રીક્ષામાં બેસીને થલતેજ મેટ્રો સ્ટેશન તરફ જતો હતો. ત્યારે ગુજરાત હાઇકોર્ટ સામે આવેલા ક્રોમા સ્ટોર પાસે રીક્ષાચાલકે પુરઝડપે રીક્ષા હંકારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી.
જેથી બે ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યારે એક વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા એસજી-1 ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે. ઓઢવમાં પરિવાર સાથે રહેતા હિતેષભાઇ મોદી સ્કુલ વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેમનો 18 વર્ષીય પુત્ર પ્રિયાંશ ગોતાની સિલ્વર ઓક કોલેજમાં આઇટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. કોલેજ જવા માટે પ્રિયાંશ નિયમિત રીતે તેના ઘરેથી મેટ્રોમાં આવતો અને થલતેજ ઉતરીને રીક્ષામાં બેસીને કોલેજ જતો હતો. શનિવારે પણ સવારે આઠેક વાગ્યે પ્રિયાંશ ઘરેથી નીકળીને મેટ્રોમાં બેસીને થલતેજ આવ્યો હતો અને કોલેજ ગયો હતો. બાદમાં બપોરે બારેક વાગ્યે મિત્ર મનીષ ચૌધરી અને નિરવ વિરાણી સાથે કોલેજ પૂરી કરીને ઘરે જવા માટે રીક્ષામાં બેસીને થલતેજ જતો હતો.