ન્યૂ ગાંધીનગરના કુડાસણ ખાતે વિઝા કન્સલ્ટન્સીની આડમાં લાખો રૂપિયાની ઠગાઈ આચરનારી પતિ પત્ની સહિત ત્રિપુટી સામે વધુ એક ગુનો નોંધાયો છે. અમદાવાદના નવા વાડજમાં રહેતા વેપારીના દીકરાને કેનેડાના PR અપાવવાના નામે આ ત્રિપુટીએ રૂ.25 લાખ પડાવ્યા હતા. લાખો રૂપિયા ચૂકવ્યા બાદ પણ દીકરાને કેનેડાના PR નહીં મળતાં વેપારીએ વિઝિટર વિઝા પર દીકરાને કેનેડા મોકલ્યો હતો. પતિ-પત્ની સહિતની ઠગ ત્રિપુટી સામે રૂ.40 લાખની ઠગાઈ મામલે પ્રાંતિજના શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ વધુ એક ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાઈ છે.
અમદાવાદમાં રહેતા ઈન્દ્રવદન પટેલે પોતાના સમાજના
અંકિત શૈલેભાઈ પટેલ, તેની પત્ની અનેરી અંકિતભાઈ પટેલ
તથા તેમના મિત્ર વિશાલ મહેશભાઈ પટેલ સામે ઈન્ફોસિટી
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ત્રણેય
આરોપીઓ કુડાસણમાં ઉમિયા ઓવરસીઝ નામથી વિઝા
કન્સલ્ટન્ટનું કામ કરતા હોઈ દીકરાને કેનેડાના PR અપાવવા
ઈન્દ્રવદનભાઈએ 2021ના વર્ષમાં અંકિત, અનેરી અને
વિશાલ સાથે મુલાકાત કરી હતી. કેનેડાની PRની ફાઈલ પેટે
રૂ.65 લાખનો ખર્ચ પૈકીના 25 લાખ પહેલા આપવાના હતા.
જે અન્વયે 5 લાખનો ચેક ઉમિયા ઓવરસીઝના નામનો આપ્યો હતો. ત્યારબાદ ટુકડે-ટુકડે રૂ.20 લાખ ત્રણેય એજન્ટને ફેબ્રુઆરી 2022 સુધીમાં આપ્યા હતા. ત્રણેય આરોપીઓએ 25 લાખ લીધા પછી પણ દીકરા કુંજના કેનેડાના PR અપાવ્યા ન હતા. જેથી ઈન્દ્રવદનભાઈએ અંકિત પટેલના કહેવાથી દીકરા કુંજને સ્વખર્ચે ફેબ્રુઆરી 2023માં વિઝિટર વિઝા પર કેનેડા મોકલ્યો હતો. ઉમિયા ઓવરસીઝના સંચાલકો પૈકી વિશાલ વિદેશ ભાગી ગયો છે. તેમજ અન્ય બે સંચાલકોએ PR અપાવ્યા ન હતા.
આખરે ઈન્દ્રવદનભાઈને તેઓ નાણાં પણ પરત આપતા ન હતા. બાદમાં ઈન્દ્રવદનભાઈ પટેલને જાણવા મળ્યું હતું કે, અંકિત અને તેની પત્નીએ સમાજના અનેક લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે. આખરે તેમણે ત્રણેય એજન્ટ સામે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.