ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની મહિલા ટીમે વર્ષ – 2023 નાં અંતિમ ચરણમાં સાંપા ગામની સીમમાંથી પૂર્વ બાતમીના આધારે આઈસર ગાડીમાંથી સાડા ચાર લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 138 પેટીઓમાં ભરેલ 2400 બોટલોનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કુલ રૂ. 9.60 લાખનો મુદ્દામાલની જપ્ત કરી નારી શક્તિની એકતાનો પરચો બતાવવામાં આવ્યો છે.
ગાંધીનગર જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિઓ નેસ્તનાબૂદ કરવા રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ તાબાનાં પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ
બ્રાંચ – 1 ની મહિલા ટીમના વુમન પોલીસ કોન્સ્ટેબલ જ્યોતિકુમારી બ્રિજમોહનને બાતમી મળેલ કે, દહેગામથી બાયડ તરફ જતા રોડ ઉપર સાંપા ગામની સીમમાં આવેલ શિવ કૃપા એગ્રો ફુડ્સ કંપનીની સામે ઉભેલી આઈસર ગાડીમાં વિપુલ માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.
જે બાતમીના આધારે પીઆઈ ડીબી વાળાની આગેવાની કોન્સ્ટેબલ કૈલાસબા બળવંતસિંહ, હેતલબેન પ્રકાશભાઈ સહીતની ટીમ સાંપા ગામની સીમમાં ત્રાટકી હતી. બાદમાં પોલીસે આઈસરમાં ગાઢ નિંદ્રામાં સુતેલા ડ્રાઈવર બસીરખાન અલીખાન બેલીમની (ઉ.વ.-57 રહે, ગામ- સાંચોર, જેડીયા વાસ, પોસ્ટ- સાંચોર,રાજસ્થાન) ઊંઘ ઉડાડી દીધી હતી. જેને સાથે રાખી આઈસર ચેક કરતાં પાછળ કોઈ સર સામાન નહોતો. પરંતુ કેબીનની પાછળ પાર્ટેશન મારી ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું. જેની તાડપત્રી હટાવતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
બાદમાં આઈસરને એલસીબી કચેરીએ લાવીને એક પછી એક દારૂની 137 પેટીઓ ઉતારીને ગણતરી કરતા અલગ અલગ બ્રાંડની 2400 દારૂની બોટલોનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેનાં પગલે પોલીસે ગાડીની કુંડળી કાઢતાં તલોદનાં અણીયોડ ગામના બળવંતસિંહ જાડેજાએ રાજસ્થાનનાં 24 વર્ષીય મુકેશ રામુરામને વેચાણ આપી હોવાની હિસ્ટ્રી મળી હતી. આ અંગે ડ્રાઈવર બસીરખાને કબૂલાત કરેલી કે, 23 મી ડિસેમ્બરે પ્રીતેશ કલાલ નામનો ઈસમે ડુંગરપુર – સીમલવાડા રોડ ઉપર દારૂ ભરેલી ગાડી આપી ગયો હતો. અને બાબલીયા ચોકી થઇ લીમડી, વીરપુર, બાલાસીનોર, કઠલાલ ચોકડીથી કપડવંજ થઇ દહેગામ ઉક્ત સ્થળે ઉભા રહેવાનું કહ્યું હતું.
આ ગાડી લેવા પ્રીતેશ કલાલ પોતે સાંપા ગામની સીમમાં આવવાનો હતો. જે પહેલા જ એલસીબીની મહિલા ટીમે સાડા ચાર લાખથી વધુની કિંમતનો દારૂ, આઈસર ગાડી, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ. 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આંતર રાજય દારૂની હેરાફેરીનાં નેટવર્કનો પર્દાફાશ કરી રખીયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.