ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ 1 – 2 ની ટીમે પૂર્વ બાતમીના આધારે પેથાપુર ચાર રસ્તા તેમજ ખોરજ અદાણી શાંતિ ગ્રામના ફ્લેટ નીચેના પાર્કિંગમાંથી પૂર્વ બાતમીના આધારે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૃ – બિયરનો 940 નંગ જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી નેક્ષોન – સીયાઝ ગાડી સહિત કુલ રૂ. 9 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લામાં એસપી રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી ચાલી રહેલી પ્રોહી – જુગારની ડ્રાઈવ અંતર્ગત લોકલ બ્રાંચનાં પીઆઈ એચ પી પરમારની ટીમનાં કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ વનરાજસિંહને બાતમી મળેલ કે, વિદેશી દારૂનો જથ્થો લઈને એક સફેદ કલરની નેક્ષોન ગાડી (નંબર GJ-31-R-9707) વિજાપુરથી પેથાપુર થઈ અમદાવાદ તરફ જનાર છે. જે હકીકતના આધારે સ્ટાફના માણસોએ પેથાપુર ચોકડીથી થોડા આગળ વિજાપુર તરફથી આવતા રોડ ઉપર વાહનોની આડશ કરીને વોચ ગોઠવી દેવાઈ હતી.
બાતમી મુજબની ગાડી આવતાં તેના ચાલકને રોકાઈ જવાની સૂચના આપી હતી. પરંતુ ચાલકે ગાડી રોડની બાજુના ડીવાઈડર સાથે ઘસડાવી બાજુની જગ્યામાં થઇ ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે બળ પ્રયોગ કરીને લાઠી મારતા ગાડીના કાચ તૂટી ગયા હતા. અને ગાડી રોકાઈ ગઈ હતી. બાદમાં ગાડીમાં સવાર બંને ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ નારાયણનાથ શંકરનાથ નાથ રહે. શિહાડા, તા. ગીરવા, જી.ઉદેપુર, રાજસ્થાન) અને સંજય અનિલજી કોટેડ (રહે. પાલદેવલ, બટકાફલા, તા.જી.ડુંગરપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 652 બોટલો તેમજ બિયરનાં 96 નંગ મળી આવ્યા હતા.
આથી પોલીસે રૂ. 1.24 લાખનો દારૃ, ગાડી, મોબાઈલ મળીને કુલ. 6 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની પૂછતાંછ કરતાં આ જથ્થો નિતિનસિંહ નામના ઈસમે જ ખેરવાડા રોડ પર આપી અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે જઇ તેના સંપર્કવાળા માણસને ગાડી આપવાની સૂચના આપી હોવાની કબૂલાત કરી હતી. એજ રીતે એલસીબી પીઆઈ ડીબી વાળાની ટીમે પણ પૂર્વ બાતમીના આધારે ખોરજ ગામની સીમ, અદાણી શાંતીગ્રામની સામે આવેલ બ્રીજની નીચેથી રાહુલ દિપકભાઈ શાહ (રહે- મકાન નં.1101, બ્લોક નં.બી/1, મીડોઝ ફ્લેટ, અદાણી શાંન્તીગ્રામ) ને 6 હજારની કિંમતની દારૂની બે બોટલ સાથે ઝડપી પાડયો હતો.
જેને લઈને પોલીસ તેના મીડોઝ ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગ સુધી પહોંચી હતી. જ્યાં તેની સીયાઝ ગાડીમાંથી 35 હજારની કિંમતનો બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે રાહુલે કબૂલાત કરેલ કે, અનિલ પટેલ નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. જેનાં પગલે પોલીસે રાહુલ શાહની ધરપકડ કરી દારૂ સહિત કુલ રૂ. 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.