ગાંધીનગરના સેકટર – 29 ની વંદે માતરમ્ – 1 સોસાયટીમાં ગંદુ પાણી ઢોળવાની બાબતે ચાલી આવતી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં કારણે પાડોશીએ પોલીસનો રુઆબ બતાવી ઘરમાં જઈને મહિલાને લાફો ઝીંકી દીધો હતો. જેની પત્ની સહિત અન્ય પાડોશી દંપતીએ પણ ઝગડો કરી હાથથી ગોદા મારતાં વારંવારનાં ત્રાસથી કંટાળીને પીડિત મહિલાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 29 વંદે માતરમ્ – 1 સોસાયટીમાં બ્લોક નંબર – 10/104 માં રહેતાં ક્રિશ્નાબા દશરથસિંહ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અવારનવાર બ્લોક નંબર 10/102 માં રહેતા પાડોશી ચંદ્રિકાબેન કીર્તિદાન ગઢવી પોતાના ઘરમાં કપડા ધોઇ પોતુ મારી દરવજો ખોલી ક્રિશ્નાબાના ઘર આગળ આવેલ બાજુની સીડીઓ તરફ પાણી ઢોળી માનસિક રીતે હેરાન કરતાં રહે છે. ગઈકાલે અગિયાર વાગ્યાના અરસામાં ક્રિશ્નાબા ઘરે કપડાં ધોઈ રહ્યા હતા.
એ વખતે ચંદ્રિકાબેનનો પતિ કીર્તિદાન ગઢવી ક્રિશ્નાબાનાં ઘરમાં જઈને ઝપાઝપી કરી કહેવા લાગેલ કે, પાણી અહીંયા જ ઢોળાસે તમારાથી થાય એ તે કરીલો હુ પોલીસ ખતામાં નોકરી કરુ છુ. બાદમાં પોલીસનો રુઆબ બતાવી ક્રિશ્નાબાને લાફો ઝીંકી દીધો હતો. દરમ્યાન ઉપરના માળે રહેતાં જલ્પાબેન ચંદ્રીકાબેનનુ ઉપરાણુ લઈ જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલા લાગ્યા હતા. તે વખતે માથાકૂટ શાંત થઈ ગઈ હતી.
જોકે, સાંજના સમયે જલ્પાબેનનો ઘરવાળો ભગીરથસિંહ આવીને ઝગડો કરવા લાગેલ. એટલે જલ્પાબેન, ચંદ્રીકાબેન અને સ્નેહલબેન ગઢવી પણ ક્રિશ્નાબા સાથે ઝગડો કરી કહેવા લાગેલા કે, અહીયા વાતચીત થશે નહી મારામારી થશે. અને હાથથી ગોદા મારી આવી રીતે હાથચાલાકી કરી તને હેરાન પરેશાન કરીશુ. આ ઘટનાથી લાગી આવતાં ક્રિશ્નાબાએ બાથરૂમમાં પડેલ ફિનાઈલ ગ્લાસમાં નાખીને ગટગટાવી લીધું હતું.
બાદમાં શરીરમાં સારું નહીં લાગતાં તેઓ સોસાયટીના બગીચામાં જઈને બેઠા હતા. પરંતુ ધીમે ધીમે ફિનાઈલ ની અસર થવા માંડતા તેમણે ગેટની બહાર ગલ્લો ચલાવતા પોતાના પતિને સઘળી હકીકત વર્ણવી હતી. એટલે તેમને સેકટર – 22 ખાતેના ખાનગી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.